ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પછી ૨૬મીથી રાજ્યમાં છુટાછવાયા ઝાપટાં શરૂ થયાં છે. ઉત્તર ગુજરાતમાં આખરે મહેર કરતાં સૂકાભઠ્ઠ સરહદી સૂઈગામ અને વાવમાં ૨૮મીએ ચોવીસ કલાકમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. સૂઈગામમાં ભારે વરસાદથી ૩૦૦ પરિવારોએ સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું. યાત્રાધામ અંબાજીમાં ૨૯મીએ ૭ ઇંચ, વરસાદ પડ્યો હતો. દાંતામાં ૨૯મીએ ૫ ઇંચ, પાલનપુરમાં ૫ ઇંચ, થરાદમાં૭ ઇંચ વરસાદ પડ્યો હતો. માઉન્ટ આબુમાં પણ પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખરીફ પાક માટે વરસાદની તાતી જરૂરિયાત હતી ત્યારે મેઘમહેર થતાં ખેતીને નવજીવન મળ્યું હતું.
ખેડા - આણંદમાં વરસાદ
ખેડા અને આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરતાં સાર્વત્રિક એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નડિયાદ, ડાકોર, બાલાસિનોર, આણંદ, ઉમરેઠ, કપડવંજ, કઠલાલ, બોરસદ, મહેમદાવાદ, ખંભાત, સોજિત્રા, પેટલાદ, બોરસદ, આંકલાવ, મહુધા, ઠાસરા, ગલતેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વાવમાં રવિવારે વીજળી અને પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વીજપોલ ધરાશાયી થતાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. કેનાલો અને રસ્તા તૂટી ગયા છે. માડકાના તળાવમાં ડોડગામ, મોરીખા તરફથી પાણી આવતાં તળાવ ઓવરફ્લો થયું હતું. જેનું પાણી ૨૦૦ જેટલા ઘરોમાં ફરી વળ્યું હતું.
મોરીખા ગામે પણ ૧૦૦થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. કેટલાય ખેતરોના બંધપાળા તૂટી જતાં ખેતરો અને પાકનું ધોવાણ થયું છે. વાવ બાદ સૌથી વધુ વરસાદ થરાદમાં નોંધાયો છે. અહીં તાલુકાના કેટલાય ગામો પાણીમાં ગરકાવ થયા છે.
ચોટીલા-થાનગઢ પાણી પાણી
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી માત્ર હળવા ઝાપટા પડ્યા બાદ સોમવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે. રાજકોટ નજીકના કુવાડવા ગામે ૨૯મીએ રાત્રે ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. વાંકાનેરની ડેમસાઇટ પર ૫ ઇંચ, વિસાવદરમાં અઢી ઈંચ, વાકાનેર, સાવરકુંડલા, તાલાળા, પઢધરીમાં દોઢ ઇંચ, ટંકારા, બગસરા, જામનગર, કેશોદ, ભેંસાણ વેરાવળમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ, ટંકારામાં એક ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
સાપુતારામાં લીલોતરી
સાપુતારામાં ૨૯મીએ પણ અવિરત વરસાદ ચાલુ રહેતાં ૨૪ કલાકમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આહવામાં ચાર ઇંચ, વઘઈમાં ૩.૫ ઇંચ અને સુબીરમા ત્રણ ઇંચ, સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં વીતેલા ૨૨ કલાકમાં સૌથી વધુ નેત્રંગમાં ૫ ઇંચ, અંકલેશ્વરમાં ૪ ઇંચ અને વાલીયામાં ૩.૫ ઇંચ ખાબકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થઈ ગયા છે. હાંસોટ, આમોદમાં દોઢ ઇંચ, ઝઘડિયા, વાગરામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ચોમાસાની જમાવટ
રાજ્યમાં ૨૭મીથી સારો વરસાદ વરસી રહ્યો છે જોકે હજી રાજ્યમાં આશરે ૪૦ ટકા જેટલી વરસાદની ઘટ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદ અત્યાર સુધીમાં ૩૫૬.૯ મીમી પડવો જોઈએ જેની સામે અત્યાર સુધીમાં ૨૧૩.૭ મીમી વરસાદ થયો છે. આ સ્થિતિના કારણે અત્યારે ગુજરાતના ૨૦૪ ડેમોમાં આશરે ૧૯ ટકા જેટલો જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે, પરંતુ જોઈએ તેટલો વરસાદ હજુ વરસ્યો નથી. અમદાવાદ જિલ્લામાં જ અત્યારે ૬૭ ટકા જેટલા વરસાદની ઘટ છે. આણંદમાં અત્યારે ૪૮ ટકા વરસાદની ઘટ છે. સામાન્ય વરસાદ ૩૮૧.૫ મીમી વરસાદ સામે અત્યાર સુધી ૧૯૮.૧ મીમી વરસાદ પડયો છે. એ જ રીતે અરવલ્લી જિલ્લામાં ૩૦ ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૩૨ ટકા, છોટા ઉદેપુરમાં ૧૫ ટકા, દાહોદમાં ૪૧ ટકા, ડાંગમાં ૯ ટકા, ગાંધીનગર ૫૫ ટકા, ખેડા ૫૨ ટકા, મહીસાગર ૩૮ ટકા, મહેસાણા ૫૯ ટકા, નર્મદા ૨૧ ટકા, નવસારી ૧૪ ટકા, પંચમહાલ ૨૬ ટકા, પાટણમાં ૫૪ ટકા, સાબરકાંઠા ૩૮ ટકા, સુરત ૨૬ ટકા, તાપી ૨૬ ટકા, વડોદરામાં ૪૮ ટકા વરસાદની અત્યારે ઘટ છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં ૩૧ ટકા, ભાવનગર ૨૬ ટકા, બોટાદ ૩૫ ટકા, દેવભૂમિ દ્વારકા ૭૫ ટકા, ગીરસોમનાથ ૨૭ ટકા, જામનગર ૫૯ ટકા, જૂનાગઢ ૩૯ ટકા, કચ્છ ૮૧ ટકા, મોરબી ૬૦ ટકા, પોરબંદર ૬૧ ટકા, રાજકોટ ૪૯ ટકા, સુરેન્દ્રનગર ૪૮ ટકા ઘટ બોલે છે.
ગુજરાતમાં ૫૩ લાખ હેક્ટરમાં વાવણી
રાજ્યમાં ખરીફ વાવેતર વિસ્તાર પર ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતા મોટી નુકસાની આમ તો અટકી છે. જુલાઈના અંત સુધીમાં આશરે ૫૩.૧૫ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે જે અગાઉના વર્ષે આ સમયમાં ૫૧.૪૧ લાખ હેક્ટરમાં રહ્યું હતું. મગફળી તથા કપાસના પાકને મોટી નુકસાની અટકી છે.
વાવેતર અંગે હજુ અગ્રણી ખેડૂતો તથા સરકારના વાવેતરના આંકડામાં મોટો તફાવત છે. એક મહિનો ચોમાસુ લંબાઈ જવાના કારણે થયેલા કુલ વાવેતરમાંથી ૨૦-૨૫ ટકા વાવેતર ફરી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હેક્ટર દીઠ ઉત્પાદન ઘટવાથી ગુણવત્તાને પણ અસર પડશે. ખરીફ ટેકાના ભાવમાં નજીવો વધારો થતાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતા નહિવત છે. રાજ્યમાં સરેરાશ કુલ ખરીફ વાવેતર ૮૪-૮૫ લાખ હેક્ટર વચ્ચે રહે છે, પરંતુ અત્યારે વાવેતરની સ્થિતિ જોતા ૮૭-૮૮ લાખ હેક્ટરમાં વાવેતર થાય તેવા સંકેતો મળી રહ્યા છે.


