અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડમાં જેમ ભારતીય ટીમ આગળ વધી રહી છે તેમ સટોડિયાઓનો ઉત્સાહ પણ સમાતો નથી. ક્રિકેટનો સટ્ટો ખેલતા અમદાવાદના બે બુકીઓ કિરણ પટેલ ઉર્ફે માલા ટોમી પટેલ ઉર્ફે ગિરીશ પટેલ સહિતના ૧૩ સટોડિયાઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે (ઈડી)ના અધિકારીઓએ ગત સપ્તાહે વડોદરાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓએ વડોદરા પોલીસને તમામ સટોડિયાઓને સોંપી દીધા હતા. ઈડીના અધિકારીઓએ અહીં મણિનગરમાં કિરણ પટેલના ઘરેથી ૪૦ જીવતા કાર્ટિસ અને તેના વહીવટદાર ગોપાલના ઘરમાંથી રૂ. ૨૫ લાખની રોકડ રકમ જપ્ત કરી છે જ્યારે વર્ષમાં રમાતી ૨૦૦ મેચનો ભારતમાં ૪ હજાર કરોડનો સટ્ટો બે બુકીઓ ખેલતા હોવાનું તપાસમાં શોધી કાઢ્યું છે.
ઈડીની ટીમે વર્લ્ડ કપની ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાતી મેચનો સટ્ટો લેતા અમદાવાદના કિરણ અને ટોમી પટેલના નામના બે બુકીઓને વડોદરાથી દૂર જીતુભાઈ શાહના ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધા હતા. દરોડામાં બુકીઓ માટે કામ કરતા ૧૩ સટોડિયાએ ઝડપી લઈને ૧૦૦ મોબાઈલ અને ૧૫ લેપટોપ જપ્ત કર્યા હતા.