ખાદીને લોકલથી ગ્લોબલ થતાં કોઇ શક્તિ રોકી શકશે નહીંઃ વડા પ્રધાન

Thursday 01st September 2022 05:05 EDT
 
 

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા અનોખા ખાદી ઉત્સવ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના આંદોલન વખતે જે ખાદીને ગાંધીજીએ દેશનું સ્વાભિમાન બનાવ્યું હતું તે ખાદીની આઝાદી બાદ ઘણી ઉપેક્ષા થઈ હતી. આ ખાદીને હીન ભાવનાથી જોવાતી હતી. જેને કારણે ખાદી અને ખાદી સાથે જોડાયેલા ગ્રામોદ્યોગ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો હતો. ખાદીની આ સ્થિતિ ગુજરાતના લોકો માટે ઘણી જ પીડાદાયક હતી. જોકે 2014થી સ્થિતિ બદલાઈ છે. આગામી સમયમાં ખાદી દેશદુનિયાના સુપર માર્ટમાં છવાી જશે. ખાદીને લોકલથી ગ્લોબલ થતા કોઇ શક્તિ રોકી શકશે નહીં.
વિદેશ જાવ તો ખાદીના વસ્ત્રો ગિફ્ટમાં લઇ જાવ
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે માતા અને બહેનોની શક્તિ અદભુત છે. તેમની મહેનત રંગ લાવી છે. ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે લોકોએ ગિફ્ટ કે ઉપહારમાં ખાદીના વસ્ત્રો આપવા જોઈએ. જેથી ખાદીને જગ્યા આપો આ અભિયાનથી અનેક ગરીબોને ફાયદો થશે. વિદેશમાં જાવ જ્યારે પણ ત્યાંના લોકો માટે ખાદીના વસ્ત્રો લેતા જાવ. જેથી વિદેશમાં પણ ખાદી માટે જાગૃતિ આવે.
ઇતિહાસ ભૂલે તે ઇતિહાસ ન રચી શકે
પોતાના 30 મિનિટના પ્રવચનમાં વડા પ્રધાને કહ્યું કે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે તે નવો ઇતિહાસ ન બનાવી શકે. ખાદી આપણો ઇતિહાસ છે. આઝાદીના 75 વર્ષના અવસરે એક સાથે 7500 બહેનો-માતાઓએ એક સાથે ચરખો ચાલવીને ઇતિહાસ રચી દીધો છે. આ પણ મારા માટે ભાવુક છે. કેમ કે મારા નાના ઘરના ખૂણામાં ચરખો હતો. આર્થિક કમાણી માટ મારી માતા ચરખો ચલાવતા હતા. આજે આ ચિત્ર ફરીથી ઊભું થયું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે ખાદી આઝાદીના આંદોલનની તાકાત બની હતી. ભારતને આત્મનિર્ભર કરવામાં ખાદી પ્રેરણાસ્ત્રોત બની શકશે. તેમણે કહ્યું હતું કે ખાદી એ માત્ર વસ્ત્રો નથી પણ એક આંદોલન છે. ખાદીને ફરીથી જીવંત કરવાનું કામ ગુજરાતે કર્યું છે. 2003માં મેં પોરબંદરથી ખાદીનું અભિયાન ચાલુ કર્યું હતું. ખાદીના પ્રમોશન માટે ફેશન શો કર્યા હતા. સેલિબ્રિટીઓને બોલાવી હતી. એ સમયે ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા. અપમાનીત કરતા હતા.આવી સ્થિતિ વચ્ચે ગુજરાતે ખાદીન આગળ વધારાની મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મોદીએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ખાદીના ઉત્પાદન અને વેચાણમાં ધરખમ વધારો થયો છે. ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડને પાર કરી ગયું છે.
વડા પ્રધાન રિવરફ્રન્ટ પર ત્રણ પરિવારોને મળ્યા, ભૂતકાળની યાદો તાજી કરી
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મોદીએ આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા ત્રણેક પરિવારોને એક પછી એક મુલાકાત આપી હતી. અમદાવાદમાં જેમના નામથી પ્રહલાદનગર આકાર પામ્યું છે તેવા ભાજપના તત્કાલીન કોષાધ્યક્ષ પ્રાહલાદભાઈના પુત્ર વિવેક પટેલનો પરિવાર, શહેર ભાજપના કૌશિક જૈનના પરિવારજનો તેમજ આરએસએસ સાથે જોડાયેલા મંજૂલાબહેન અને કાંતિભાઈના પુત્ર આશિષ દેસાઈના પરિવારજનો સાથે મુલાકાતમાં પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા એ વખતના સંસ્મરણોને તાજા કર્યા હતા.
આ ત્રણેય પરિવારો ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાય પણ વડા પ્રધાનને મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter