નડિયાદમાં સોમવારે બ્રિજ અને હોસ્પિટલ સહિતના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્ય પ્રધાન આનંદીબહેને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં અફવાઓ અને લોકોની ઉશ્કેરણી કરીને કોંગ્રેસ લોકોની સલામતી ઉપર જોખમ સર્જવાનું કાવતરું કરી રહી હોવાનો આરોપ મુકતા આનંદીબેન પટેલે જણાવ્યું કે, હું એક મહિલા મુખ્ય પ્રધાન છું, દસને પહોંચી વળું તેમ છું. ખેડૂતની દીકરી છું, હાથમાં દાતરડું લઈ કેવી રીતે કાપવું એ પણ આવડે છે. ચૂંટણીઓમાં કંઈ જ તમારા હાથમાં આવવા નહીં દઉં એવો રણટંકાર પણ આનંદીબેન પટેલે કર્યો હતો. ગતિશીલ ગુજરાતનો વિકાસ અવરોધવા વિપક્ષ હવાતિયા મારી રહ્યો છે. ચૂંટણીઓ આવી રહી છે. ખેતર તૈયાર છે, કોને કઈ રીતે વાઢવા એ હું સારી રીતે જાણું છું, તેમ જણાવતા મુખ્ય પ્રધાને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ખર્ચ રૂ. એક લાખ કરોડઃ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનનો શક્યતાવર્તી અભ્યાસનો અંતિમ રિપોર્ટ રેલવે પ્રધાનને સુપરત કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. એક લાખ કરોડ અંદાજે આવ્યો છે. જ્યારે બે શહેર વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં કપાશે. તેનું ભાડું રૂ. ૩૬૦૦ની આસપાસ રહે તેમ માનવામાં આવે છે. આ અહેવાલ રેલવે પ્રધાન સુરેશ પ્રભુને સોંપાયો છે. પોતાના રેલવે બજેટના ભાષણ દરમિયાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે દેશમાં ઝડપથી બુલેટ ટ્રેનની શરૂઆત કરાશે.
હોન્ડા કાર કંપની ગુજરાતમાં આવવા આતુરઃ ગુજરાતમાં ધીરેધીરે વૈશ્વિક કક્ષાની કાર કંપનીઓ તેમના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપી રહી છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં ટાટા નેનો અને ફોર્ડનો પ્લાન્ટ છે. જ્યારે અમદાવાદ જિલ્લાના માંડલમાં મારુતિએ એન્ટ્રી કરી છે. હવે વૈશ્વિકસ્તરે પ્રથમ હરોળ કંપની મનાતી હોન્ડા કાર પણ ગુજરાતમાં આવવા આતુર છે. હોન્ડા કાર કંપની ગુજરાતમાં રૂ. ૪૦૦૦ કરોડનું એક પમ્પ યુનિટ સ્થાપશે તેવું સૂત્રો જણાવે છે. ઉલ્લેખનીય છે કે હોન્ડા કંપની દ્વારા આ પ્રકારનું રોકાણ અગાઉ અન્ય બે રાજ્યોમાં કરવામાં આવ્યું છે. અત્યારે હોન્ડા કંપનીનું એક યુનિટ ગ્રેટર નોઇડા (યુ.પી.) અને બીજુ રાજસ્થાનમાં તપુકારામાં કાર્યરત છે. હોન્ડા દ્વારા નવી ફેકટરી માટે જમીનો ખરીદવાનું પણ શરૂ કરાયું છે. ભારત વૈશ્વિક સ્તરે કાર ઉત્પાદન અને વપરાશનું મોટું બજાર બની રહ્યું છે. જેથી મોટી મોટી કંપનીઓ પોતાના ઉત્પાદન યુનિટો સ્થાપીને ભારતીય કાર બજાર ઉપર પ્રભુત્વ જમાવવાની હોડ લાગેલી છે. હોન્ડા સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવા અને શરૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે જમીન મેળવવાની પ્રક્રિયા પ્રાથમિક તબક્કે શરૂ કરવામાં આવી છે. હોન્ડાનું ભારતમાં રૂ. ૭૨૦૦ કરોડનું રોકાણ છે જેમાં તપકારામાં રૂ. ૪૪૦૦ કરોડનું રોકાણ છે.
નશામાં ગાડી ચલાવતા નબીરા અને તેની ગર્લફ્રેન્ડ આકસ્મિકનું મોતઃ વિસ્મય શાહ પછી અમદાવાદના વધુ એક જાણીતા વેપારી પરિવાર બીડીવાલા ગ્રૂપના નબીરા આકાશ સંજયભાઈ પટેલે ૧૯ જુલાઇએ વહેલી સવારે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પૂરઝડપે ગાડી ચલાવીને નારણપુરા પોસ્ટ ઓફિસ પાસેના અમીકુંજ ચાર રસ્તા નજીક અકસ્માત કર્યો હતો. આકાશની ફોક્સવેગન જીટા ગાડી ૧૦૦થી પણ વધુ સ્પીડમાં હોવાથી ડિવાઇડર તોડીને ઝાડ સાથે અથડાઈ હતી અને ઝાડ તોડીને મકાનની દીવાલમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે આગળથી અડધી ગાડીનો ફૂરચો બોલી જતા આકાશ તેમ જ તેની સાથે અગળ બેઠેલી તેની ફ્રેન્ડ દિવ્યા સુભાષભાઈ પટેલના મોત નિપજ્યાં હતાં. જ્યારે રાહુલ નાયક અને દીપાલી પટેલ ગાડીમાં પાછળ બેઠા હોવાથી તે બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગાડીમાં ફસાયેલા ચારેયને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે કટરથી ગાડી અને ઝાડ કાપવાની ફરજ પડી હતી. ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને આ ચારેય કોલેજિયન છોકરા-છોકરીઓ ઘરેથી નીકળ્યા હતા.