રાજકોટ, વડોદરા, જૂનાગઢઃ સૌરાષ્ટ્રના જૂનાગઢ બાદ હવે રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. ૨૭મી જૂને વડોદરામાં પણ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે, સાંજે ઓફિસ જતા લોકો અટવાઈ ગયા હતા. અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ચલાલા પંથકમાં પણ સોમવારે ત્રીજા દિવસે મેઘમહેર જારી રહેતાં ખેડૂતો ઉત્સાહમાં હતા. ગોંડલ તાલુકાના રાણસિકી ગામે વીજળી પડતાં એક શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું.
સોમવારે રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર, ભાયાવદર, ગોંડલ, જસદણ તેમજ મોરબી જિલ્લાના મોરબી શહેર, વાંકાનેર, માળિયા મિયાણા પંથકમાં સામાન્ય ઝાપટાંથી પોણા ત્રણ ઇંચ વરસાદ થયો હતો.
૨૬મીએ મોરબી શહેરમાં ૩૩ મિમી, માળિયામાં દોઢ ઇંચ, ટંકારામાં પોણા ત્રણ ઇંચ અને વાંકાનેર પંથકમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. વાંકાનેર પંથકમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોએ જણાવ્યું કે હવે તેઓ વાવણીનો પ્રારંભ કરશે.
૨૭મીએ ધ્રોલમાં ભારે મેઘાડંબર વચ્ચે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં ૪૨ મિમી એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગરમાં ૩ મિમી, જોડિયામાં ૫ મિમી અને જામજોધપુરમાં ૮ મિમી વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં ૨ મિમી તથા દ્વારકામાં ૯.૬ મિમી અને ભાટિયામાં ૫ મિમી વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેરમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી લોકો આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે ત્યાં સોમવારે સાંજે માત્ર સવા કલાકમાં ૩ ઇંચ વરસાદ પડતાં લોકો હરખાઇ ઉઠ્યા હતા. ૩ ઇંચ વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા થયા હતા. વરસાદની સાથે શહેરમાં ૪ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના અને ૨ સ્થળો વીજ વાયરો તૂટી પડવાના બનાવો બન્યો હતા.
અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ચલાલા, ખાંભા પંથકમાં અડધોથી એક ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઇંચ, રાજુલામાં સવા ઇંચ, ધારીમાં એક ઇંચ, બાબરીયાધારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.પોરબંદરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છના રાપરમાં ૧થી ૧.૫ ઇંચ જ્યારે ભચાઉ, માંડવી, મુંદ્રામાં ઝાપટાં પડ્યાં હતાં.


