ગાંધીનગરઃ ખેડૂતોનું દેવું માફ કરવાની માગ સાથે ગુજરાતમાં વીજળી, સિંચાઈ મુદ્દે કોંગ્રેસે ૧૬મીએ રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તાઓ રોકીને ચક્કાજામ કર્યો હતો. ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રસ્તાઓ ઉપર ટાયરો સળગાવતા કોંગ્રેસના ધારાસભ્યો, કિસાન કોંગ્રેસના અનેક હોદ્દેદારો, કાર્યકરોની પોલીસે અટકાયત બાદ છોડી મૂક્યા હતા. ગુજરાતમાં ભાજપની નીતિઓને કારણે જ ખેડૂતોની સંખ્યા ઘટી રહી હોવાનો આક્ષેપ કરતા કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ કેન્દ્રમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે ત્રણ વર્ષમાં માત્ર વચનો અને વાયદાઓ આપ્યા હોવાની હૈયાવરાળો ઠાલવી હતી. ગુજરાતમાં ભાજપના શાસનને કારણે છેલ્લા ૧૦ વર્ષમાં ૩.૫૫ લાખ ખેડૂતોની સંખ્યા ઘટી છે અને ૧૭ લાખ ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવતાં કહ્યું કે, કૃષિક્ષેત્રે રૂ. ૩૫૨૭૬ કરોડના એમઓયુના રોકાણોની જાહેરાત સામે ૭૦ ટકા રોકાણ આવ્યા નથી. ભાજપની બેદરકારીથી ૪૫૦૦૦ કિમીનું નર્મદા કેનાલનું નેટવર્કનું કામ થયું નથી. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ખાતર ઉપર પાંચ ટકા વેટ વસૂલાય છે. વીજળી, પાણીની સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે.

