એલિસબ્રિજમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી ગુરુદાસ કામતના હસ્તે ૨૦મી ઓગસ્ટે કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે એવા લોકો બલિદાનની વાતો કરે છે કે જેમના ઇતિહાસમાં ક્યાંય બલિદાનનું સ્થાન જ નથી. દેશના વિકાસ અને પ્રગતિ માટે રાજીવ ગાંધીએ વર્ષો પહેલાં જે સપનું જોયું હતું તે હવે સફળ થઈ રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ દેશમાં ખેડૂતો સાથે જમીન સંપાદન મામલે જે ગેરરીતિ થાય છે તેની સામે કોંગ્રેસ લડત આપશે.
• જિજ્ઞેશ મેવાણીનું ‘આપ’માંથી રાજીનામુંઃ રાજ્યમાં દલિત અધિકારની લડતના નેતા તરીકે ઊભરી રહેલા જિજ્ઞેશ માવાણીએ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા તરીકેના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આ નિર્ણય અંગે જિજ્ઞેશે કહ્યું કે, ઉનાના દલિતો પર થયેલા અત્યાચારોના મુદ્દે તેણે દલિતોને સંગઠિત કરી લડત આદરવાનો પ્રયાસ કર્યો છે. આ લડત દરમિયાન આપ દ્વારા ક્યારેય લડતની ક્રેડિટ લેવાનો પ્રયાસ નથી કર્યો. આમ છતાં, વારંવાર આપ મારા દ્વારા રાજકીય લાભ લેવા માગતી હોય તેવા આક્ષેપો થતાં મેં આપ સાથેનો મારો સંબંધ તોડવાનું નક્કી કર્યું છે.
• ડાયમંડ ગ્રૂપની રૂ. ૪૦ કરોડની કરચોરીઃ આવકવેરા વિભાગે અમદાવાદ, સુરત અને મુંબઇમાં રિયલ એસ્ટેટ અને ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા બે ગ્રૂપને ત્યાં ૨૦મી ઓગસ્ટે દરોડાની કાર્યવાહી કરીને રૂ. ૪૦ કરોડની કરચોરી શોધી છે. ચાર દિવસ દરોડની કાર્યવાહી ચાલુ રહી જેમાં એક કરોડની રોકડ રકમ, ૪૦ લાખનું ઝવેરાત અને રૂ. ૫૦ લાખની એફડી જપ્ત કરાઈ છે.
• ‘ગુજરાત મોડેલ નામે દેશને મૂર્ખ બનાવાય છે’ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિ.માં દેશવિરોધી નારા લગાવવાનો જેના પર આરોપ છે તેવા કનૈયાકુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસ મોડેલ વિશે ૧૬મી ઓગસ્ટે કહ્યું હતું કે, વિકાસના ગુજરાત મોડેલના નામે દેશના લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. કનૈયાએ આ સાથે આરએસએસને પણ નિશાન બનાવીને કહ્યું કે, સંઘ અને મનુવાદી આદર્શો લોકતાંત્રિક અવાજોને દબાવી રહ્યા છે. કનૈયાએ પંદરમી ઓગસ્ટે ઉનાની મુલાકાત લીધી હતી અને દલિતો દ્વારા ત્યાં યોજાયેલા ધ્વજારોહણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કનૈયાએ કહ્યું કે, ગુજરાતની આ તેની પ્રથમ મુલાકાત છે.
• ડો. નરેન્દ્ર અમીન ડિસ્ચાર્જઃ રાજ્યના ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં હવે મુંબઈની સ્પેશ્યલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કોર્ટે વધુ એક પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીનને કેસમાંથી છૂટા કરી દીધા છે. જજ એમ બી ગોસ્વામીએ ડો અમીન સામે પૂરતા પુરાવા નહીં હોવાનું અવલોકન ટાંકીને તેમને કેસમાંથી મુક્ત કર્યા હતા. હાલમાં ડો. અમીન મહીસાગર જિલ્લાના પોલીસવડા તરીકે ફરજ પર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ કેસમાંથી રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ અને તત્કાલીન આઇપીએસ અભય ચુડાસમાને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

