ગાંધીનગર: વિધાનસભામાં ચોમાસુ સત્રના આરંભે સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખરીફ પાકમાં થયેલા નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ યોજનાનો લાભ ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓમાં ૨૭ લાખ જેટલા ખેડૂતોને મળશે. સહાય માટે ૧લી ઓક્ટોબરથી અરજી કરવા ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે. વિધાનસભામાં રૂપાણીએ નિયમ - ૪૪ હેઠળ જણાવ્યું કે, ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ખેતવાડીમાં નુક્સાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આંકલન સંદર્ભે સરકારમાં વિચારણાને અંતે રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓમાં અંદાજે ૫૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તારમાંથી સહાયના ધોરણો મુજબ અંદાજે ૩૭ લાખ હેક્ટરનો વિસ્તાર સહાયને પાત્ર ઠરે છે. જેના માટે રૂ. ૩૭૦૦ કરોડના સહાય પેકેજ જાહેર કરું છું. SDRFના નિયમો મુજબ આ પેકેજ હેઠળ ૩૩ ટકા અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટરે સહાય ચૂકવાવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. ૫૦૦૦ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત ૨૭ લાખ ખેડૂત ખાતેદારોને ખાતદીઠ સહાયનો લાભ મળશે.
ખેડૂતોને પ્રિમીયમ ભર્યા વિના સહાય
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી કિસાન યોજના અંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રીમિયમ ભરવું ન પડે, એ જ ભાવનાથી જાહેર કરી છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસિડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ સરકારનું મન ખુલ્લું છે. કૃષિ પ્રધાને કહ્યું કે, કિસાન સહાય યોજના હેઠળ ખરીફ ઋતુમાં થયેલી પાકની નુકસાનની ટકાવારી ૩૦થી ૬૦ ટકા હોય તો હેક્ટરદીઠ રૂ. ૨૦ હજારની સહાય વધુમાં વધુ ૪ હેક્ટર સુધી જ્યારે ૬૦ ટકાથી વધુ પાક નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂ. ૨૫ હજારની સહાય ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે.
સરકાર કોરોના અંગે કોઈ આંકડા છુપાવતી નથીઃ રૂપાણી
મુખ્ય પ્રધાને સોમવારે ગૃહમાં જણાવ્યું કે, કોરોના સંદર્ભે સરકાર કોઈ આંકડા છુપાવતી નથી. ગુજરાતમાં કેસની સંખ્યા વધી છે, પણ બીજાં રાજ્યો કરતાં સંખ્યા ઓછી હોવાનું જણાયું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાત સરકારના કોરોના વોરિયર્સની શ્રેષ્ઠ કામગીરીને પરિણામે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળ્યાનું કહ્યું હતું. કોરોના વોરિયર્સના સન્માનમાં વિધાનસભામાં નીતિન પટેલે રજૂ કરેલા સંકલ્પ પર અઢી કલાક ચર્ચા ચાલી હતી. ડોક્ટર, નર્સ, આંગણવાડીની બહેનો, ૧૦૮ના કર્મચારીઓ, મહેસૂલ- પોલીસ સહિત વહિવટી તંત્રના બળે ગુજરાતે કોરોના મહામારીની જંગમાં મક્કમતા પૂર્વક મુકાબલો કર્યો હોવાના એકમત સાથે તમામ ધારાસભ્યોએ કોરોના વોરિયર્સને વંદન કર્યાં હતાં, મૃત્યુ પામેલા વોરિયર્સને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નીતિન પટેલે કહ્યું કે, મહામારીના આરંભે કેસની સંખ્યા અને મૃત્યુદરમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહેતું હતુ જે હવે ૧૩માં નંબરે છે. મૃત્યુદર પણ ઘટીને ૩.૩ ટકા થયો છે. ડબલિંગ રેટ ૫૯ દિવસે પહોંચ્યો છે.
‘તબલીગી જમાત કરતાં ‘તઘલખી’ શાસકો વધુ જવાબદાર’
કોરોના સામે ગુજરાતની લડતનો સંકલ્પ સોમવારે વિધાનસભામાં રજૂ થયો હતો. જેની ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં આક્ષેપ કર્યો હતો કે, કોરોના સંક્રમણ માટે તબલીગી જમાત કરતાં ‘તઘલખી’ શાસકો વધારે જવાબદાર છે. ચીનના વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના પેદા થયો. જાન્યુઆરીમાં ભારતમાં પ્રવેશ્યો છતાં ૧૫ જાન્યુઆરીથી ૭મી માર્ચ સુધી દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૭૮ લાખ કરતાં વધુ વિદેશી યાત્રિકો આવ્યા. જે પૈકી માત્ર ૧૫.૨૪ લાખની જ ચકાસણી કરાઈ. આ ચૂકના કારણે વિદેશી વાઈરસે ભારતને ભરડામાં લીધો છે. એરપોર્ટને પહેલેથી તાળાબંધી કરી હોત તો આ હાલત ન હોત. ગુજરાતમાં લોકોને તાળી પડાવી, થાળી વગાડી, દીવડા કર્યાં પછી પણ ગુજરાત કોરોનાના હોટસ્પોટ તરીકે પંકાયું. સરકારે પોતાની ભૂલને છુપાવવા માટે ક્યારે કોઈ ધર્મને, કોઈ કોમને, કોઈ વર્ગ પર આંગળી ચીંધી. સરકારે તબલીગી જમાત સામેની લુક આઉટ નોટિસ કેમ પરત ખેંચી? તે વિશે જવાબ આપવો જોઈએ. પાંચ રૂપિયાનું માસ્ક પહોંચાડવામાં નાકામ રહ્યા ને હવે માસ્ક માટે એક હજાર દંડ વસૂલાય છે. લોકડાઉનમાં લોકો ઘર બહાર નીકળે તો પોલીસ દંડ મારતી હતી. ખોટા પોલીસ કેસ સરકાર પાછા ખેંચતી નથી.
આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર ગૃહમાં આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનમાં દૂધની કોથળી મળતી નહોતી, પરંતુ બોટલ મળી જતી હતી. કોરોનાની વિકટ સ્થિતિ પાછળ સરકારની અણઆવડત અને આયોજનનો અભાવ છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાઈ કોર્ટમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, વાહન વ્યવહાર બંધ હોવાથી વેન્ટિલેટર લાવી ન શક્યા. જોકે કોંગી ધારાસભ્યના આ નિવેદન પર ગૃહમાં હોબાળો થયો હતો અને ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઊભા થઈ ગયા હતા. નીતિન પટેલે કહ્યું કે, આ સંદર્ભે પુરાવા આપે અથવા તો અમિત ચાવડા માફી માગે. ચાવડાએ ડોક્યુમેન્ટ રજૂ કરવાની ગૃહમાં ખાતરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, સરકારે કોરોનાને કાબૂમાં લેવા દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી નીમવા જોઈએ.
સરકારે સારવારના દર નક્કી કર્યા છતાં ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવી રહી છે. મહામારીમાં અન્ય રોગની સારવારમાં સરકાર નિષ્ફળ નીવડી છે. મુંબઈ હાઈ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના માટે જમાતને બલિનો બકરો ન બનાવો. આ સમય હિન્દુ-મુસ્લિમનો નથી. દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાએ હિન્દુ-મુસ્લિમ કે ભાજપ-કોંગ્રેસનો પ્રશ્ન નથી.


