ખોબા જેવડાં પુંસરીમાં પહોંચ્યા ૬૦ દેશના ૧૩૮ મહાનુભાવો!

Wednesday 03rd October 2018 07:59 EDT
 
 

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામ પુંસરીમાં રવિવારે તહેવાર જેવો માહોલ હતો. લોકો પોતાના ઘરમાં તાળાં મારી ગામના પાદરે હાથમાં ફૂલ લઈ ઊભા હતા કારણ કે ખોબા જેવા ગામે મેળવેલી સિદ્ધિઓને કારણે વિશ્વના ૬૦ દેશોના ૧૩૮ જેટલા રાજકીય મહાનુભાવોને આ ગામની મુલાકાત લેવાના હતા. લોકનૃત્ય અને ભાતીગળ વેશભૂષાવાળા લોકોને જોઈ વિદેશીઓ પણ તેમના તાલે ઝૂમી ઊઠ્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે ૨૯ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા પ્રતિનિધિમંડળે પુંસરીની મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિ મંડળમાં ઉઝબેકિસ્તાનના નાયબ વડા પ્રધાન સુખરોબ ખોલમુરાદો સહિત અનેક દેશોના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાંથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, બોલિવિયા, કંબોડિયા, ચાડ, કેન્યા કિરીબારી, માલદીવ, માલ્ટા, મોરક્કો, મોઝામ્બિક્સ, મ્યાનમાર વગેરે કુલ ૬૦ દેશોના પ્રધાનો અને પ્રતિનિધિઓ ભારતની મુલાકાતે આવ્યા હતા.
રવિવારે સાબરકાંઠાના પુંસરી ગામની મુલાકાત વખતે તમામ પ્રતિનિધિઓ નાનકડા ગામની ૧૦૦ ટકા સેનેટિશન વ્યવસ્થા જોઈને દંગ રહી ગયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડા પ્રધાન આવાસ યોજનાના મકાનો અને ગામલોકો માટે આર.ઓ. પ્લાન્ટ, સીસીટીવીથી સજ્જ માર્ગો અને ડિજિટલ પેમેન્ટ કરતા ગામલોકોની જીવનશૈલી જોઈ નવાઈ પામેલા વિદેશી મહાનુભાવો પૈકી એકે જણાવ્યું હતું કે, અમે કલ્પના પણ કરી નહોતી કે, ગામમાં એક શહેર કરતાં પણ સારી સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે.એ જણાવ્યું હતું કે, વિશ્વભરના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી તે જિલ્લા અને રાજ્ય માટે ગૌરવની વાત છે. જ્યારે ડેલિગેશન સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારનું આયોજન કરવું તે બહુ અઘરું છે છતાં સુંદર વ્યવસ્થા થઈ હતી. ગામમાં આ પ્રકારની વ્યવસ્થા, સગવડ અદભુત છે.
પ્રતિનિધિમંડળે શરૂઆતમાં ગામના પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ શાળામાં ડિજિટલ વ્યવસ્થાને નિહાળી હતી તેમજ શાળાના પ્રાંગણમાં તમામ મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યાર બાદ ગામમાં વડા પ્રધાન આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા મકાનોની મુલાકાત લીધી હતી. જેની આંતરિક વ્યવસ્થા તેમને નવાઈ પમાડી રહી હતી.
પ્રતિનિધિમંડળના સભ્યો ઝૂમ્યા
પુંસરીની પ્રાથમિક શાળામાં પધારી રહેલા મહેમાનો માટે ઊભા કરાયેલા સ્વાગત સમારંભમાં શાળાની વિદ્યાર્થિનીઓના લોકનૃત્યને જોઈ કેટલાક મહેમાનો પોતાની જાતને રોકી શક્યા ન હતા અને તેઓ સ્ટેજ પર જઈ તેમની સાથે નૃત્યમાં જોડાઈ ગયા હતા.
ગરમીથી લથબથ, પણ ઉત્સાહમાં તરબોળ
રવિવારે ગરમીનો પારો ૩૮ ડિગ્રીને પાર કરી ગયો હતો. આ સંજોગોમાં પુંસરીની મુલાકાતે આવેલા ૬૦ દેશોના મહાનુભાવો ગામની વિવિધ સુવિધાઓની મુલાકાત લઈ રહ્યા હતા. ગરમીથી પરેશાન થયેલા લોકો વચ્ચે પણ આ મહાનુભાવો લોકોનું અભિવાદન ઝીલી સહત સ્મિત રેલાવી રહ્યા હતા જેનાથી ઉપસ્થિત લોકોમાં તેમના માટે અહોભાવ જાગ્યો હતો.
શા માટે પુંસરી?
પુંસરી ગામ ૧૦૦ સેનિટેશન વ્યવસ્થા ધરાવે છે. ગામના લોકો આર્થિક વ્યવહારો ડિજિટલ પેમેન્ટથી કરે છે. ગામમાં આંતરિક બસ વ્યવસ્થા છે. આ ઉપરાંત ગામલોકો માટે મફતમાં આર.ઓ.પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, કચરાના નિકાલની વ્યવસ્થા છે, મહિલાઓ માટે ગ્રામહાટ છે. જેના પરિણામે આ ગામ શ્રેષ્ઠ ગામોની હરોળમાં સ્થાન પામ્યું છે.
તહેવારનો માહોલ
વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓ પુંસરીની મુલાકાતે આવવાના હોઈ આસપાસના ગામડાંઓના લોકો પણ પોતાના કામ છોડી વહેલી સવારથી પુંસરી આવી પહોંચ્યા હતા. સમગ્ર ગામમાં તહેવાર જેવો માહોલ હતો અને લોકો એક પછી એક વાહનોમાં આવી રહેલા મહેમાનોનું હર્ષોલ્લાસ અભિવાદન કરી રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter