ગંદકી શેરીઓમાં નહીં આપણા મગજમાંઃ મુખર્જી

Wednesday 02nd December 2015 07:04 EST
 
 

અમદાવાદઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ૩૦ નવેમ્બરથી શરૂ થયેલી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પ્રથમ દિવસે કપડવંજ ખાતે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વયંસંચાલિત પશુઆહારનું ઉત્પાદન તથા માલસંગ્રહ વિભાગોની રચના કરાઇ હોય તેવો એશિયાનો આ સર્વપ્રથમ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટમાં પ્રતિદિન એક હજાર મેટ્રિક ટન પશુઆહારનું ઉત્પાદન થઈ શકશે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી તથા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ હાજર હતા. પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ મુખર્જીએ ડો. એ. પી. જે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડસ ૨૦૧૫નું વિતરણ કરતાં કહ્યું હતું કે, ઇનોવેશન આર્થિક વિકાસની ચાવી છે. ઇનોવેશન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને દરેક સ્તરે તેનું જતન થવું જોઈએ. મને એ વાતનો આનંદ છે કે ડો. કલામ ઇગ્નાઇટ એવોર્ડસ ૨૦૧૫ માટે સમગ્ર દેશમાંથી ૨૮ હજાર આઇડિયા મળ્યા હતા. મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા આ આઇડિયા રજૂ કરવામાં આવ્યા હોવાથી મને દેશનું ભવિષ્ય સુરક્ષિત જણાય છે.

પહેલી ડિસેમ્બરે સવારે રાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની મુલાકાતી લીધી હતી. જ્યાં ગાંધીજીની તસવીરને સુત્તરની આંટી પહેરાવી હતી. તે બાદ આશ્રમમાં રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં ગાંધીજીએ લખેલા ૩૫ હજાર પત્રો રખાયા છે. આ સાથે જ પ્રણવ મુખર્જીએ ગાંધી આશ્રમમાં આંબલીના વૃક્ષનું રોપણ કર્યું હતું. એ પછી મુખર્જી ગૂજરાત વિદ્યાપીઠમાં ૬૨મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ. પી. કોહલી, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત હતા. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં સર્વધર્મ પ્રાર્થના સાથે પદવીદાન સમારોહનો પ્રારંભ થયો હતો. જે બાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતના પગલે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ ૧૮મી ઓક્ટોબરના બદલે પહેલી ડિસેમ્બરે યોજાયો હતો.

પ્રવણ મુખર્જીએ દીક્ષાંત પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મેકર ઓફ નેશન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી અને ટાગોરના જીવનમાં માર્ગદર્શન લેવું જોઈએ સાથે જ ગાંધીજીના અહિંસાના સંદેશાનો ફેલાવો થવો જોઈએ. સાથે પ્રણવ મુખર્જીએ સ્વચ્છતાની વાત કરતા કહ્યું હતું કે, ભારતમાં ખરી ગંદકી શેરીઓમાં નથી પણ આપણા મગજમાં છે. ત્યાર બાદ તેઓએ દ્વારકાધીશના અને એ  પછી સોમનાથના ભાવપૂર્વક દર્શન કર્યાં. સોમનાથમાં વિરામ બાદ તેઓ દિવ પહોંચ્યા અને દિવને વૈશ્વિક સ્તરે ચમકાવવા ૭૭ દિવસના બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter