ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની રહી છે. શુક્રવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધાનસભામાંથી રાજીનામું આપનાર બે ધારાસભ્યો પૈકી માણાવદરના જવાહર ચાવડાએ આજે શનિવારે રુપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસથી જેમના ભાજપ-પ્રવેશ માટે અટકળો ચાલી રહી હતી તેવા ઠાકોર અગ્રણી અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે તે ભાજપમાં જોડાવાના નથી.
શનિવારે પત્રકાર પરિષદ યોજીને અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું હતું કે તે કોંગ્રેસ છોડવાના નથી. આ પછી બપોરે ૧૨.૩૯ વાગ્યે રાજભવનમાં યોજાયેલા સાદગીપૂર્ણ શપથવિધિ સમારંભમાં ત્રણ નવા પ્રધાનોને શપથ ગ્રહણ કરાવાયા હતા. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે જ્યારે વડોદરાના માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર-ઉત્તર બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા બન્ને ભાજપની જ ટિકિટ પરથી ચૂંટાયા છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપરાંત પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યો તેમજ નવનિયુક્ત પ્રધાનોના સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. શપથગ્રહણ બાદ ત્રણેય પ્રધાનોએ પત્રકારો સાથે વાત કરી હતી. જવાહર ચાવડાએ જણાવ્યું, ‘મને નવી જવાબદારી સોંપવા આવી છે તેનાથી લોકોને કેવી રીતે વધારે લોકોને લાભ મળે તે અમારો પ્રયત્ન રહેશે. ગુજરાતમાં આપણી સરકાર હોય અને કેન્દ્રમાં પણ આપણી સરકાર હોય તો લોકોને વધારે લાભ આપી શકાય.’
વડોદરાના યોગેશ પટેલે જણાવ્યું હતું, ‘૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય તે માટે મારા પ્રયત્ન હશે. આગામી ચૂંટણીમાં ગુજરાતની ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનો અમારો પ્રયત્ન રહેશે. હવે પ્રધાન બન્યા બાદ મારી જવાબદારી વધી જાય છે.’
જામનગર-ઉત્તર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, ‘દેશ અને રાજ્યનો વધુમાં વધુમાં વિકાસ થાય ઉપરાંત છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે માટેના મારા પ્રયત્ન રહેશે.’
જૂનાગઢ જિલ્લાના માણાવદરથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. જવાહર ચાવડાના રાજીનામા બાદ ગણતરીની કલાકોમાં ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું હતું.
શુક્રવારના આ રાજકીય ઘટનાક્રમ બાદ વિજય રુપાણીએ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ આ પહેલાં કોંગ્રેસમાં હતા, જે બાદમાં ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી જ ધારાસભ્ય બન્યા હતા.
રાજકીય વ્યૂહના ભાગરૂપે વિસ્તરણ
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના એક અને બે રાજ્યકક્ષાના પ્રધાનને સમાવવામાં આવ્યા છે. ખાતાની ફાળવણી વિજય રુપાણી પોતાની અનુકૂળતા મુજબ કરશે. હાલ કેબિનેટની બેઠક મળવાની નથી. માનનીય રાજ્યપાલે શપથવિધિ કરાવી દીધી છે તેથી હવે પ્રધાનો પોતાની ઓફિસમાં ચાર્જ લઈ શકશે.’
જોકે નીતિન પટેલે ભાજપના ધારાસભ્યોમાં રહેલા અસંતોષ મામલે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારે આ વિશે કોઈ ટિપ્પણી કરવી નથી.’
‘રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે તમામ જ્ઞાતિઓ, રાજ્યના વિવિધ વિસ્તારોને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તે માટે નવા પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.’ આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ‘હજી પણ નવા પ્રધાનોના સમાવેશની શક્યતા છે, જેથી મોવડીમંડળ અને મુખ્ય પ્રધાનના સૂચનો બાદ નવા લોકો પ્રધાન બની શકે છે.’
નવી હોટેલની જેમ નવી પાર્ટીમાં આવ્યો છુંઃ ચાવડા
કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યાના ત્રણ જ ક્લાકમાં જવાહર ચાવડા શુક્રવાર આઠમી માર્ચે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચી ગયા હતા. કેસરિયો ખેસ પહેરી, પેંડો ખાધા બાદ ન્યુઝ ચેનલોના કેમેરા સામે ગોઠવાયેલા ચાર ટર્મના આ પૂર્વ ધારાસભ્યે ‘કોંગ્રેસમાં મને કોઈ વાંધો નહોતો પણ ત્યાં મજા નહોતી. આથી, જેમ નવી હોટેલમાં જમવા જાઈએ એમ નવી પાર્ટીમાં આવ્યો છું’ એમ કહીને ભાજપના નેતાઓને ચોંકાવ્યા હતા.
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે કમલમમાં આવીને ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવનારા માણાવદરના આ પૂર્વ ધારાસભ્યે કોંગ્રેસમાં બધો હિસાબ પુરો કરીને આવ્યાનું જાહેર કર્યું હતું.
ચાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસની ટિકિટને આધારે ધારાસભ્યપદ મળ્યું હતું તેનો પણ ત્યાગ કર્યો છે. મેં પ્રજા સાથે દ્રોહ કર્યો નથી. ત્યાં કોઈની સાથે વાંધો નહોતો, અસંતોષ પણ નહોતો. એક વર્ષથી કોંગ્રેસમાં મુંઝાતો હતો. ત્યાં મજા આવતી નહોતી. હાલના સંજોગોમાં દેશની સલામતી સંદર્ભે ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી જે રીતે દુશ્મનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી રહ્યા છે ત્યારે તેમના હાથ મુજબૂત કરવા ભાજપમાં આવ્યો છે. ત્યાં કોંગ્રેસમાં હું એ હદે વિરોધમય હતો કે મારા વિસ્તારમાં વિકાસના કામો તરફ ધ્યાન અપાતુ ન હતું. અહીં ન્યાય આપી શકાશે.’


