ગણતંત્ર દિને ત્રિરંગાને સલામી આપવા માત્ર ૨૫૦ને જ આમંત્રણ આપવું: સરકાર

Tuesday 19th January 2021 07:47 EST
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ૨૬ જાન્યુઆરી- પ્રજાસત્તાક દિને દાહોદમાં યોજનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ૧૦૦૦ની મર્યાદામાં, ૩૩ જિલ્લાઓમાં ૪૦૦ અને તાલુકા સ્તરે યોજાતા ધ્વજવંદન માટે આમંત્રિતોની સંખ્યા ૨૫૦ લોકોની મર્યાદામાં રાખવા આદેશ કર્યો છે. તાલુકા કક્ષાએ ત્રિરંગાને સલામી આપવા સરકારી ઉજવણી માટે ૨૫૦ની મર્યાદામાં જ આમંત્રણ આપવા ૧૯મી જાન્યુઆરીએ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૪૯ તાલુકાઓમાં ખેડૂતોના નામે ૫૦૦ - ૫૦૦નાં ટોળા ભેગા કરીને લાડુના જમણ સાથે ૨૫ ડિસેમ્બરનો ‘સુશાસન દિવસ’ રાજ્ય સરકારે રોનાકાળમાં ઉજવ્યો હતો.

રાષ્ટ્રીય પર્વ – પ્રજાસત્તાક દિન સિવાય મોટા ભાગનાં કાર્યક્રમોમાં ભીડ ભેગી કરાવીને સેલ્ફીઓ લેવડાવતી ભાજપ સરકારના આ પ્રકારના આદેશથી અનેક અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ઉઠયા છે.

સામાન્ય વહીવટ વિભાગ – GADએ કોવિડ-૧૯ની મહામારી વચ્ચે પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે તમામ જિલ્લાના કલેક્ટરોને પત્ર દ્વારા સૂચનાઓ આપી દીધી હતી. સોમવારે કચેરીઓ ખૂલતાં કલેક્ટરેટ, તાલુકા સ્તરે મામલતદાર, વિકાસ અધિકારીઓ આ પત્ર વાંચીને ચોંકી ઉઠયા હતા. પ્રજાસત્તાક દિવસની સરકારી ઉજવણી માટે GADએ કોવિડ-૧૯ની મહમારીને ધ્યાને રાખીને વધુ સંખ્યામાં લોકો એકત્રિત કરવા નહીં તેવી સૂચના આપી છે.

રાષ્ટ્રીય પર્વ, તેમાંય લોકતંત્રમાં સૌથી મહત્ત્વના પ્રજાસત્તાક દિવસે પ્રજાની સામેલગીરી સંદર્ભે સરકાર દ્વારા આ પ્રકારની મર્યાદા બાંધવામાં આવતા અનેક અધિકારીઓમાં કચવાટ શરૂ થયો છે. તાલુકા - જિલ્લા સ્તરની વહીવટી કેડરમાં થતી ચર્ચા મુજબ શાળાઓ બંધ હોવાથી સરકારી ઉજવણીમાં વિદ્યાર્થીઓ, સ્કાઉટ આવવાના જ નહોતા. છતાં મર્યાદા બાંધવામાં આવી છે. ૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિવસ’ નામે જ્યાં ૧૦૦ લાભાર્થીઓ પણ નહોતા ત્યાં ૫૦૦નાં ટોળા ભેગા કરાયા હતા. પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં પોલીસ ફોર્સ હોય જ છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક જેવા નિયમોનું પાલન સુપરે થઈ શકે છે જ્યાં શિસ્ત જળવાય તેવી સ્થિતિ હોય ત્યાં કોરોના નામે આવા નિયંત્રણો યોગ્ય નથી. એવા અવાજ પણ ઊઠ્યા છે.

૫૬ મિનિટમાં જ ઉજવણી

માત્ર આમંત્રિતોની સંખ્યા ઉપર નિયંત્રણો જ નહીં, પણ ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી- પ્રજાસત્તાક દિવસની ઉજવણી કેટલા સમયમાં પૂરી કરવી તેના ઉપર પણ મર્યાદા બાંધી છે. GADની સૂચના મુજબ જિલ્લા- તાલુકા સ્તરે થતા સરકારી કાર્યક્રમને ૫૬ મિનિટમાં જ સમેટી લેવા પડશે. જેમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ૩૦ મિનિટ અને પ્રધાન કે કલેક્ટર કે મામલતદારના ઉદ્દબોદન માટે ૨૦ મિનિટ ફાળવાઈ છે! જ્યારે બાકીની ૬ મિનિટમાં જેમને ધ્વજવંદન કરાવવાનું છે તેને સ્ટેજ ઉપર દોરી જવા બે મિનિટ અને બે મિનિટ ત્રિરંગો ફરકાવવા તેમજ રાષ્ટ્રગાન માટે ફાળવાઈ છે.

દાહોદમાં ૧ હજાર લોકોની જ હાજરી

કોરોના સંક્રમણ વચ્ચે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કોવિડ પ્રોટોકોલ સાથે કરવા સામાન્ય વહીવટ વિભાગે ગાઇડલાઇન ઇશ્યુ કરી છે. રાજ્યકક્ષાએ દાહોદ જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહત્તમ ૧ હજાર લોકોની ઉપસ્થિતિને મંજૂરી અપાઇ છે.

ગાઇડલાઇનમાં જણાવાયું છે કે, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે રીતે રાજ્યકક્ષાએ, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મહત્તમ ૪૦૦ અને તાલુકાકક્ષાના કાર્યક્રમમાં ૨૫૦ લોકો ઉપસ્થિત રહી શકશે. રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ પરેડ, આદિવાસી નૃત્ય, અશ્વ શો, પોલીસનો મોટરસાઇકલ સ્ટંટ, ડોગ શો, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન યોજાશે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ૭૮ મિનિટનો જ્યારે જિલ્લા-તાલુકાકક્ષાનો કાર્યક્રમ ૫૬ મિનિટનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter