અમદાવાદ: ગુજરાતમાં આ વખતે ચોમાસાનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે અને તેની અસર આ વખતે રવિ પાકના વાવેતર ઉપર પણ જોવા મળી રહી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ૮૫૦૫૦૦ હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું હતું, જેની સરખામણીમાં આ વખતે ૪૫૦૧૦૦ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રવિ પાકના વાવેતરમાં ૪૭ ટકા ઘટાડો નોંધાય છે.
ગુજરાતમાં આ વખતે સરેરાશ ૭૬.૭૩ ટકા વરસાદ પડ્યો હતો. જેના પગલે રવિ પાકના વાવેતર પર અસર નોંધાઈ છે. કચ્છમાં આ વખતે વરસાદનું પ્રમાણ સૌથી ઓછું હતું અને જેના પગલે રવિ પાકનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ૯૩ ટકા ઘટ્યું હતું. ઓછા વરસાદને કારણે સમગ્ર કચ્છ જિલ્લાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. કચ્છમાં આ વખતે ૭૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અનુક્રમે ૫૫ ટકા, ૭૫ ટકા અને ૭૦ ટકા હેકટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. ગુજરાતમાં કુલ ૫૧ તાલુકા એવા છે જ્યાં ૨૫૦ મી.મી. ઓચો વરસાદ નોંધાયો છે.


