ગરબા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માટે નોમિનેટ

Tuesday 30th August 2022 12:42 EDT
 
 

નવી દિલ્હીઃ યુનેસ્કોના ઈન્ટેન્જિબલ (અમૂર્ત) કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં ગુજરાતના પ્રસિદ્ધ પરંપરાગત નૃત્ય ગરબાને સામેલ કરવા ભારત સરકારે નોમિનેશન કર્યું છે. જોકે, આ નામાંકનની આવતા વર્ષે નોંધ લેવાશે. મતલબ કે આવતા વર્ષ સુધીમાં ગુજરાતના ગરબા યુનેસ્કોના અમૂર્ત વારસાની યાદીમાં સામેલ થઈ જશે. આ યાદીમાં કોઈ પણ સ્થળ કે સમાજની પરંપરા, અભિવ્યક્તિ કરવાની પદ્ધતિ, જ્ઞાન, રીતરિવાજ વગેરેને સામેલ કરવામાં આવે છે.
ગયા ડિસેમ્બરમાં નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં કોલકાતાના દુર્ગા પૂજા મહોત્સવને પણ આ યાદીમાં સામેલ કરવા એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં યુનેસ્કોની ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ વિભાગના સેક્રેટરી ટીમ કર્ટિસે ગરબાને પણ આ યાદીમાં સમાવવા કેટલીક વિગતો રજૂ કરી હતી.
આ અંગે કર્ટિસે કહ્યું હતું કે, આ વખતે ભારત સરકાર દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત વારસાની યાદીમાં સમાવવા નોમિનેશન મોકલ્યું છે. આ અંગે અમે 2023ના મધ્ય સુધી સમીક્ષા કરીશું. એ જ વર્ષના સત્રમાં ગરબા મુદ્દે નિર્ણય લેવાશે.

ગરબાના 36થી વધુ પ્રકા, 20થી વધુ દેશોમાં રમાય છે
અમેરિકા સહિત વિશ્વના 20 વિવિધ દેશોની યુનિવર્સિટીઓમાં નવરાત્રિ દરમ્યાન ગરબાની સ્પર્ધા યોજાય છે. ગરબાના 36થી વધુ પ્રકાર છે. રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટિપ્પણી વિગેરેનો સમાવેશ થાય છે. ગરબાના મૂળ સ્વરૂપની શરૂઆત પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાતથી થઈ હોવાનું મનાય છે. મૂળ ‘ગરબા’ શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. દર વર્ષે નવરાત્રિના બિઝનેસમાં સરેરાશ 25 ટકાનો વધારો થાય છે.

ભારતનો વારસો ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ
ભારત ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવે છે. યુનેસ્કોની આંતરસરકારી સમિતિએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સના પેરિસમાં યોજાયેલા 16મા સત્રમાં દુર્ગા પૂજા મહોત્સવને અમૂર્ત વારસાની યાદીમાં સામેલ કર્યો હતો. સમાજના છેવાડાના લોકો તેમજ મહિલાઓ દુર્ગા પૂજામાં મોટા પાયે સામેલ થાય છે તે અંગે સમિતિએ વખાણ પણ કર્યા હતા.
યુનેસ્કોનું નવી દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરતા ડિરેક્ટર એરિક ફોલ્ટે કહ્યું કે, ભારત પાસે વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતા વધુ પરંપરાઓ અને જ્ઞાનનો અમૂર્ત વારસો છે, જે પૈકી અનેકનું રક્ષણ કરવા જેવું છે. આ માટે યુનેસ્કો ભારત સરકાર સાથે ઊંડા સહયોગથી કામ કરે છે. ભારત આવતા અનેક પ્રવાસીઓ પણ ઘણી વાર તેના વિશે જાણતા નથી હોતા કારણ કે, તેના વિશે વધુ માહિતી નથી હોતી.
યુનેસ્કો હેરિટેજ યાદીમાં ભારતની 14 પરંપરા
યુનેસ્કોની હેરિટેજ યાદીમાં ભારતની 14 પરંપરા સામેલ છે, જેમાં યોગ, કુડિયટ્ટમ્, સંસ્કૃત નાટ્યકળા, ગઢવાલ હિમાલયનો ધાર્મિક મહોત્સવ રમ્મન, કેરળના નૃત્ય-નાટક મુડિયેટ્ટુ, રાજસ્થાનનો લોકનૃત્ય - સંગીત કલબેલા, પંજાબની તાંબાના વાસણ પર કલાકારીગરીની કળા થાટેરસ, નવરોઝની ઉજવણી વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter