અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારોએ પોતાની માંગણીઓ સાથેના ગરબાના તાલે નવરાત્રિ ઊજવવાની વાત કરે છે.
બીજી તરફ પછાત વર્ગના માટે બનેલા ઓએસએસ (ઓબીસી, એસસી, એસટી) એકતા મંચે પણ જાહેરાત કરી છે કે રાજ્યનો આરક્ષિત સમાજ આ નવરાત્રિ દરમિયાન પોતાની માંગણીઓની રજૂઆત કરવા બનાવેલી ગરબાની ‘એ.કે. ૧૪૬ અનામતનો ગરબો’ નામની સીડીના તાલે ગરબા રમશે. ઓએસએસ એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ‘અનામતના ગરબા, નામે ૨૦ ગરબાઓની એક લાખ સીડીઓ તૈયાર કરાઈ છે.
આ સીડીમાં બાબાસાહેબ આંબેડકરે આરક્ષિત જાતિ સમૂહો માટે બંધારણમાં કરેલી વ્યવસ્થાઓ અને આરક્ષિત સમાજને મળવાપાત્ર અધિકારો તેમજ સંગઠનની વાતોને આવરી લેવામાં આવી છે.’ હવે આવી જાહેરાતોની નવરાત્રિમાં કેવી અસર પડે છે તેના પર સહુની નજર છે.
• દિલ્હી-ફ્રાન્સિસકો ફલાઇટ સાથે અમદાવાદથી સિમલેસ કનેક્શનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન એર ઇન્ડિયાની ૨ ડિસેમ્બરથી દિલ્હીથી સાન ફ્રાન્સિસકોની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સપ્તાહમાં બુધ, શુક્ર અને રવિવાર ઉપડનારી આ ફ્લાઇટમાં મુસાફરી કરવા ઇચ્છતા ગુજરાતના પ્રવાસીઓને એર ઇન્ડિયા સિમલેસ કનેક્શન આપશે. જોકે આ માટે પ્રવાસીઓએ દિલ્હીના એરપોર્ટ પર એરક્રાફ્ટ બદલવાની સાથે ત્રણ કલાક વેઇટિંગ કરવું પડશે. પશ્ચિમ અમેરિકામાં વસતા ગુજરાતીઓને ધ્યાનમાં રાખી આ ફ્લાઇટ સાથે અમદાવાદથી સિમલેસ કનેક્શન મળશે. આ ઉપરાંત મુંબઇ, ચેન્નઇ, હૈદ્રાબાદ, બેંગલુરુ, કોચી અને પૂણેને પણ આ પ્રકારની સુવિધા અપાઇ છે.
• પાટીદાર આંદોલન ગોધરાકાંડ જેવુંઃ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલાવાના નિર્ણયને હાઈ કોર્ટમાં વાજબી ઠેરવવા સરકારે જે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં એક આશ્ચર્યજનક તર્ક રજૂ કર્યો છે. પંચાયત વિભાગે હાઇ કોર્ટને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ કોમી રમખાણોના કારણે જે સ્થિતિ સર્જાયેલી તેવી જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે પાટીદાર અનામત આંદોલનના પરિણામે થઈ છે. રાજ્ય સરકારે પાલિકા-પંચાયતોની ચૂંટણી પાછી લઈ જવા અંગે કાયદામાં સુધારા કરતો વટહુકમ પ્રસિદ્ધ કર્યો. તેના પગલે રાજ્ય ચૂંટણીપંચે આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં સ્થિતિની સમીક્ષા કરી ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આ નિર્ણયને કોંગ્રેસે હાઈ કોર્ટમાં પડકાર્યો છે.
• ગુજરાતમાં વરસાદની સરેરાશ કરતાં ૧૯ ટકા ઘટઃ રાજ્યમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ ગંબીર બની છે. અત્યારે તો સ્થિતિ ગંભીર નથી પરંતુ વર્ષ દરમિયાન પીવાના પાણી અને ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના છે. સરકારી આંકડા મુજબ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ ૮૧ ટકા વરસાદ નોંધાયો છે.
• જે મેયર મ્યુનિ. ગરબાનું આયોજન કરે તે સત્તા ગુમાવેઃ ગુજરાતભરમાં ગરબાનો માહોલ જામી રહ્યો છે. પરંતુ છેલ્લા ૧૦ વર્ષના લાંબા સમયગાળા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશોએ નવરાત્રિમાં ભદ્ર ચોકમાં એક દિવસ જાહેર ગરબાનું આયોજન કર્યું છે. અત્યાર સુધી આવું આયોજન કરવાનું ટાળતાં હતા તેની પાછળ કેટલીક રસપ્રદ ગેરમાન્યતા જવાબદાર હોવાનું કહેવાય છે. મ્યુનિ.કોર્પોરેશને જાહેર ગરબાનું આયોજન કર્યું હોય તેવા સંજોગોમાં જો મેયર ગરબે ઘૂમે તો શાસક પક્ષ સત્તા ગુમાવે છે તેવી માન્યતા પ્રવર્તે છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપના પૂર્વ મેયરે ગરબાનું આયોજન કર્યું હોય અને મેયર ગરબે ઘૂમ્યા હોય પછી યોજાયેલી ચૂંટણીઓમાં તેમના પક્ષની હાર થઇ છે.
• માતાજીને રૂ. એક કરોડના આભૂષણો પહેરાવાશેઃ રાજપીપળામાં નવરાત્રિ નિમિત્તે હરસિદ્ધિ માતાના મંદિરે નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે. સ્થાનિક લોકોને આ માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી નવ દિવસ નકોરડા, વ્રત, ઉપવાસ, ઉપાસનાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. હિન્દુ દેવસ્થાન કમિટીના પ્રમુખ અને મામલતદાર શારદાબેનના જણાવ્યા મુજબ નવરાત્રિમાં રાજવી પરંપરા મુજબ માતાજીને રાજવી પરિવારે આપેલા રૂ. એક કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના ટ્રેઝરીમાંથી લાવી પોલીસ સુરક્ષા હેઠળ માતાજીને આ દાગીનાથી શણગારવામાં આવે છે. આ દાગીનામાં હીરા-માણેકનો જાડો નવલખો હાર, સોનાના કડા, બાજરી, સોનાના મણકા, રાજ મણકા, કાનના કુંડળ, ૧૦૮ સોના મણકાની માળા, નથણી મુગટ સોનાના ઘરેણા ચડાવાશે. મંદિરના ગર્ભગૃહમાં સોનાના પતરાવાળું દરવાજા સાથે સિંહાસન બનાવાયું છે.
• ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ૨૯ ટકા વધશેઃ રાજ્યમાં મગફળીનું ઉત્પાદન ૨૯ ટકા જેટલું વધીને ૧૫.૫૦ લાખ ટન થવાની ધારણા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશન (સોમા)ની ૬૬મી વાર્ષિક સભામાં વ્યક્ત થઇ હતી. ચોમાસાના પ્રારંભે વાવેતર-પાકનું ઉજળુ ભવિષ્ય દેખાતું હતું પરંતુ વરસાદની અનિયમિતતાથી સ્થિતિ બદલાઇ હોવા છતાં અગાઉના ગત વર્ષ કરતા આ વર્ષે પાક વધારે ઉતરશે. ૨૦૧૪માં ‘સોમા’એ ૧૨ લાખ ટનનો અંદાજ આપ્યો હતો.