અમદાવાદઃ નવરાત્રિ દરમિયાન મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત કોઈપણ બિનહિન્દુ વ્યક્તિને સોસાયટીઓના ગરબામાં પ્રવેશ નહીં આપવાનો ફતવો વિશ્વ હિન્દુ પરિષદે બહાર પાડ્યો છે. આ ફતવાના અમલ પર નજર રાખવા માટે પરિષદના સ્વયંસેવકો જ્યાં ગરબા હોય ત્યાં ફરતા રહેશે અને બિનહિન્દુઓ ગરબામાં પ્રવેશ ન કરે એની કાળજી રાખશે.
જે મુસ્લિમ લોકો ગરબા માણવા ઈચ્છતા હોય તેમને હિન્દુત્ત્વ અપનાવવાનો વિકલ્પ અપાશે. આ નિર્ણય અંગે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી રણછોડભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ‘બિનહિન્દુઓને ગરબામાં પ્રવેશ પર પ્રતિબંધ સોસાયટીઓમાં ગરબાનાં નાનાં આયોજનો પૂરતો મર્યાદિત છે. ક્લબોની તથા અન્ય કમર્શિયલ ગરબા માટે નથી. મુસ્લિમ છોકરાઓને હિન્દુ છોકરીઓને પરણીને લવ જેહાદ કરતા રોકવા માટે આ પ્રતિબંધ અનિવાર્ય છે. આખા રાજ્યમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત તમામ બિનહિન્દુઓને અમે ગરબાની ઈવેન્ટના સ્થળોથી દૂર રહેવાની તાકીદ કરીએ છીએ. મુસ્લિમ છોકરાઓ આવા હિન્દુ તહેવારોનો ગેરલાભ લઈને હિન્દુ કન્યાઓને ભોળવીને લવજેહાદ કરતા હોય છે. એવા લવ જેહાદના બનાવો રોકવા માટે આવો પ્રતિબંધ અનિવાર્ય છે.’