અમદાવાદઃ મહાત્મા ગાંધીજીએ ભારતીયોને બે બાબતો શીખવવાનો પ્રયાસ કર્યો. ફિયર નોટ એન્ડ હેટ નોટ. જોકે, તેઓ માત્ર તેમને ફિયર નોટનું મહત્વ સમજાવવામાં સફળ થયા હતા, પરંતુ હેટ નોટ વિશે મનાવવામાં નિષ્ફળ ગયા તેમ ગાંધીજીના પ્રપૌત્ર, લેખક અને ઈતિહાસકાર ડો. રાજમોહન ગાંધીએ આઈઆઈટી ગાંધીનગર ખાતે ભારત એક ખોજ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું.
ડો. ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે બ્રિટિશરોએ ભારત છોડ્યું તે માટે મહાત્મા ગાંધી જવાબદાર હતા કે નહીં તે એટલું મહત્ત્વનું નથી. કારણ કે સંભવતઃ બ્રિટિશરો સંસાધનો ગુમાવતા હોવાથી છોડીને જતા જ રહેત. જોકે, ગાંધીનું મોટું યોગદાન એ જ ભારતના રાષ્ટ્રવાદી ચળવળના નેતાઓ અને લોકોને સર્વ સમાવેશી ભારતના વિચારોને સ્વીકારવા માટે સમજાવવાનું હતું. જે ધર્મ, જાતિ, વર્ગ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના દરેક માટે હતું. તેમણે લોકશાહી, સમાનતા અને સ્વતંત્રતાના મૂલ્યોની હિમાયત કરી હતી અને આ વિચારોને આખરે સ્વીકારવામાં આવ્યા હતા અને ભારતીય બંધારણમાં સમાવવામાં આવ્યા હતા.


