ગાંધીનગરઃ ગાંધીજીના પ્રપૌત્ર, લેખક અને ઈતિહાસકાર ડો. રાજમોહન ગાંધીએ આઈઆઈટી-ગાંધીનગર ખાતે ભારત એક ખોજ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ભારતીયોને બે બાબતો શીખવવાનો પ્રયાસ કર્યો હતોઃ ફિયર નોટ એન્ડ હેટ નોટ. જોકે, તેઓ માત્ર તેમને ફિયર નોટનું મહત્ત્વ સમજાવવામાં સફળ થયા અને હેટ નોટ વિશે મનાવવામાં નિષ્ફળ ગયા. ડો. ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું કે, બ્રિટિશરોએ ભારત છોડ્યું તે માટે મહાત્મા ગાંધી જવાબદાર હતા કે નહીં તે એટલું મહત્ત્વનું નથી. કારણ કે સંભવતઃ બ્રિટિશરો સંસાધનો ગુમાવતા હોવાથી છોડીને જતા જ રહેત. જોકે, ગાંધીનું મોટું યોગદાન એ જ ભારતના રાષ્ટ્રવાદી ચળવળના નેતાઓ અને લોકોને સર્વ સમાવેશી ભારતના વિચારોને સ્વીકારવા માટે સમજાવવાનું હતું.

