ગાંધીજીના ઉપદેશો વિશ્વમાં આજે પણ એટલા જ પ્રસ્તુત

Sunday 18th January 2026 02:20 EST
 
 

ગાંધીનગર: વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝે સાબરમતીના તટે આવેલા વિખ્યાત ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મર્ઝે આશ્રમની વિઝિટર્સ બુકમાં મેસેજ લખ્યું હતું કે, ‘સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે. દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.’ ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ તેમણે મુલાકાત લીધી હતી. આશ્રમમાં રેંટિયા કાંતણ કરાતું હતું તેને નિહાળ્યા બાદ મોદીએ મર્ઝને ચરખાનું મહત્વ સમજાવતા આશ્રમમાં કેવી રીતે મહાત્મા ગાંધીજીના સમયમાં તેવી રીતે કાંતણ કરાતું હતું તેની જાણકારી પણ આપી હતી.
બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી આશ્રમની મુલાકાતથી મર્ઝ પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે તેમણે આદરભાવ વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
અડાલજની વાવથી મર્ઝ પ્રભાવિત
વિશ્વ પ્રસિદ્ધ અડાલજ વાવની ચાન્સેલર મર્ઝે મુલાકાત લીધી હતી. વાવના બાંધકામ અને નકશીકામને નિહાળીને તેઓ પ્રભાવિત થયા હતા. વિદેશ મંત્રી ડો. જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter