ગાંધીનગરઃ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ૭ સંસ્થાઓ સાબરમતી આશ્રમ ટ્રસ્ટ, હરિજન સેવક સંઘ, હરિજન આશ્રમ, ગુજરાત ગ્રામોદ્યોગ મંડળ, નવજીવન પ્રેસ, ગૂજરાત વિદ્યાપીઠ તથા મજૂર મહાજન સંઘ પહેલી વાર સંયુક્ત રીતે કાર્યક્રમ કરી રહી છે. આ કાર્યક્રમ ૧૭મી જૂને સાબરમતી ગાંધીઆશ્રમને પૂરા થતાં સો વર્ષ નિમિત્તે યોજાશે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનશે. ગોપાલકૃષ્ણ ગાંધી સાથે સેવા સંસ્થાના સ્થાપક ઈલાબહેન ભટ્ટ જોડાશે. જેઓ ૧૭મી જૂને શતાબ્દીની ઉજવણીની શરૂઆતમાં ઉપરોક્ત સાતેય સંસ્થાઓના વડાઓ સાતે બેઠક યોજી આગામી વર્ષોનું આયોજન નક્કી કરશે.
આશ્રમમાં ‘મારું જીન એ જ મારો સંદેશ’ એ ગાંધીજીના કથનને આધારે ગાંધીજીનું જીવનકવન દર્શાવતું પ્રદર્શન નવેસરથી રિનોવેટ કરાયું છે. જેને ગોપાલકૃષ્ણ દ્વારા લોકાર્પણ કરાશે. સાથોસાથ ચરખાનો ઇતિહાસ વર્ણવતું નવું પ્રદર્શન સર્જવામાં આવ્યું છે. એનું પણ તેઓ લોકાર્પણ કરશે. બે નવા પુસ્તકો ‘પાયોનિયર્સ ઓફ સત્યાગ્રહ’ અને ‘લેટર્સ ટુ ગાંધી’ તૈયાર થયાં છે. જેનું વિમોચન પણ આ પ્રસંગે થશે.
સાબરમતીથી ચંપારણ સુધી ખાસ ટ્રેન દોડશે
કેન્દ્ર સરકાર તરફથી સાબરમતી આશ્રમની શતાબ્દીની ઉજવણી માટે ૧૭મી જૂને સાબરમતીથી એક ખાસ ટ્રેન દોડાવવામાં આવનારી છે. આ ટ્રેન મહારાષ્ટ્રમાં વર્ધા આશ્રમ નજીકથી પસાર થઈ બિહારમાં ચંપારણ સત્યાગ્રહના સ્થાને જઈ ૧૨ દિવસ બાદ સાબરમતી સ્ટેશને પરત આવશે.


