અમદાવાદ: શ્રમની મહત્તા એ ગાંધીવિચારનો પાયો હોવાનું જણાવીને ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને ગાંધીવાદી પરિવારમાં ઉછરેલા પ્રવીણભાઈ કનુભાઈ લહેરીએ જણાવ્યું કે, શ્રમનું વળતર માણસને માણસ તરીકે જીવવા સરેરાશ જેટલું મળવું જોઈએ જેને આપણે લઘુત્તમ વેતન કહીએ છીએ. ગાંધીજીની શ્રમિકોની વિભાવનામાં મજૂરો કદી કામચોરી ના કરે, સંઘશક્તિનો નકારાત્મક ઉપયોગ ના કરે અને હિંસા તો ક્યારેય ના જ આદરે.
લહેરી ગુજરાત સરકારની સ્વાયત્ત સંસ્થા મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)માં ગાંધીજીની ૧૫૦મી જયંતી નિમિત્તેના કાર્યક્રમમાં ‘શ્રમિકો માટે ગાંધીવાદી અભિગમ’ પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. અધ્યક્ષસ્થાને મહાત્મા દ્વારા ૧૯૨૦માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ડો. અનામિક શાહ હતા. કાર્યક્રમ આયોજક અને જાણીતાં લેખિકા પ્રા. ડો. પારુલટીના દોશીએ પ્રારંભમાં વિષયની માંડણી કરવા ઉપરાંત મહાનુભાવોનો પરિચય આપીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્થાના પ્રોફેસર એમેરિટસ ડો. બી. બી. પટેલ મંચસ્થ હતા.
એમજીએલઆઈના સભાગૃહમાં ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોના વડાઓ તેમજ ઉત્સુક વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રમિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સમક્ષ પ્રવીણભાઈએ ગાંધીજીના જીવન અને આચરણમાં શ્રમનું મહાત્મ્ય અને સંવાદથી કામદાર સમસ્યાઓને ઉકેલવાની ભૂમિકા સુંદર રીતે મૂકી હતી. તેમણે અમદાવાદની મિલોની હડતાળ અને સંવાદ તેમજ લવાદમાંથી જ જન્મેલી મજૂર મહાજન સંસ્થા સહિતના આદર્શોની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મૂડીવાદીઓએ પોતાની મૂડી શ્રમિકોના પરસેવામાંથી બની હોવાનું સતત સ્મરણ રાખીને એનો ઉપયોગ એકાધિકાર તરીકે નહીં, પણ સમાજ માટે જ કરવો ઘટે; એવી શીખ ગાંધીજીએ ગૂંજે બંધાવી હતી. ઉપરાંત અનાસક્તિયોગમાંથી મહાત્માએ નવરા નહીં બેસવાની વાત પર પણ ભાર મૂક્યો હતો.
ભૂતપૂર્વ મુખ્ય સચિવે અંતમાં કહ્યું હતું કે કાયદા જરૂરી હોવા છતાં શ્રમિકો અંગેના ગાંધીવાદી અભિગમમાં કાયદાથી ઉપર આપણો માનવીય અભિગમ, આપણી સંવેદના અને આપણી પ્રતિબદ્ધતા એટલી જ જરૂરી છે. અધ્યક્ષસ્થાનેથી ડો. શાહે અમેરિકા, ચીન અને જાપાનનાં ઉદાહરણો આપીને વિદેશી ધરતી પર ગાંધીજીની વિભાવના આજે પણ કેટલી જીવંત છે એની સુપેરે છણાવટ કરી હતી. બંને વક્તાઓએ મહાત્મા ગાંધી શતાબ્દી પછી પણ પ્રસ્તુત હોવાનું તારણ રજૂ કર્યું હતું.

