ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણીમાં ટાઈ પડયા પછી ૬ઠ્ઠી મેએ પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાના એક ક્લાક પૂર્વે કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપની છાવણીમાં આવી જતાં સિનારિયો ફરી ગયો હતો. ભાજપ-કોંગ્રેસની ૧૬-૧૬ સરખી બેઠકો આવી હતી. તેને લઈને સત્તાની ખેંચતાણ ઊભી થઈ હતી, પરંતુ કોંગ્રેસમાંથી જ એક સભ્યને ફોડીને ભાજપે આ વખતે ફરી પોતાની સત્તા હાંસલ કરી છે. કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં ઘરવાપસી કરતાં મેયર - ડે. મેયરની ચૂંટણીમાં ચિઠ્ઠીનો ભય ટળી ગયો હતો અને ભાજપ બહુમતીમાં આવતાં કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવ્યું છે. મેયરની ચૂંટણીમાં ૧૭ વિરુદ્ધ ૧૫ મતે પ્રવીણ પટેલ મેયર તરીકે ચૂંટાયા હતા. ૧૬ વિરુદ્ધ ૧૫ મતે દેવેન્દ્રસિંહ ચાવડા ડે. મેયર તરીકે ચૂંટાયા હતા. સ્ટેન્ડિંગ કમિટીની રચના કરાઈ તેમાં પણ ભાજપની બહુમતી હોવાથી ભાજપના જ ૧૨ સભ્યો મુકાયા છે. જોકે પ્રવીણ પટેલે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસના સભ્યોમાં ભારે રોષ ઊભો થયો હતો.
કોંગ્રેસી ટોળા દ્વારા મેયરના ઘરે તોડફોડ
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પ્રવીણ પટેલ પ્રત્યેની ભારે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસનું ઉશ્કેરાયેલું ટોળું મેયર પ્રવીણ પટેલના સેક્ટર-૨૨ ખાતેના ઘરે પહોંચી ગયું હતું અને ત્યાં તેમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરીને ઘરના બારી-બારણાંના કાચ ફોડયા હતા.
પ્રવીણ પટેલને નોટિસ
ગાંધીનગર કોર્પોરેશનની મેયર અને ડે. મેયરની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાઈ જનારા પ્રવીણ પટેલને લેખિત નોટિસ આપીને પાંચ દિવસમાં ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસે આપેલી નોટિસમાં જણાવાયું હતું કે, પ્રજાદ્રોહ કર્યો હોવાથી તેમની સામે પગલાં લેવાશે.
ટ્રિબ્યુનલમાં કેસ કરવાની ચીમકી
કોંગ્રેસના નિયમોનો ભંગ કરીને ભાજપમાં ભળી જનારા કોર્પોરેટર પ્રવીણ પટેલ સામે પક્ષાંતર ધારા હેઠળ નોટિસ આપીને આવનારા સમયમાં ટ્રિબ્યુનલમાં જવાની ચીમકી આપી છે. આ કાયદાને આધીન ટ્રિબ્યુનલે અત્યાર સુધીમાં ભાજપમાંથી કોંગ્રેસ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ૨૪થી વધારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ગેરલાયક ઠેરવ્યા છે. વર્ષ ૨૦૧૨માં પણ ગાંધીનગર કોર્પોરેશમાં કોંગ્રેસના સભ્યોએ બહુમતને આધારે મેયરપદે મહેન્દ્રસિંહ રાણાની નિમણૂક કર્યાના થોડકા જ મહિનાઓમાં મહેન્દ્રસિંહ રાણા કોંગ્રસના બીજા બે કોર્પોરેટર સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમની સામે પણ કોંગ્રેસે પક્ષાંતરધારા હેઠળ ટ્રિબ્યુનલથી લઈને હાઈ કોર્ટ સુધી ચૂંટાયેલા સભ્યપદેથી દૂર કરવા ન્યાયિક કાર્યવાહી કરી હતી. જોકે, કોર્ટના કેસમાં આ મુદ્દા અંગે હજી કોઈ ઉકેલ ન આવ્યો નથી. હવે ભાજપમાં એન્ટ્રી મેળવનાર પ્રવીણ પટેલને પાંચ દિવસની મુદ્દત સાથે નોટિસ આપ્યાનું જણાવતા કોંગ્રેસ લિગલ સેલે જવાબ મળ્યા પછી કાયદાકીય રીતે પક્ષાંતર ધારા હેઠળ તેમનું સભ્યપદ રદ કરાવવા ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવાનું જાહેર કર્યું છે.
કોંગ્રેસ આંતરિક જૂથવાદથી ભાંગી પડશે: રૂપાણી
કોંગ્રેસને તો વાહિયાત આક્ષેપો કરવાની જૂની ટેવ હોવાનો વળતો જવાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ આપતાં કહ્યું છે કે, ગુજરાતમાં આઠેય મહાનગરોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ તેના આંતરિક જૂથવાદના ભારથી જ તૂટી પડશે. ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રવીણ પટેલ સામેથી સંપર્ક કરીને ભાજપમાં આવ્યા છે. તેમની સાથે કોઈ બાર્ગેન થયું નથી.


