ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પત્તાં ૨૬મીએ ખૂલતાં ભાજપ કોંગ્રેસ બંનેને સરખો જનમત મળ્યો છે. આઠ વોર્ડની કુલ ૩૨ બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠકો મળી છે. પરંતુ ગત ચૂંટણીની સરખામણીએ પાટનગરમાં કોંગ્રેસના વિજય પર ભાજપે બ્રેક મારી છે.
ભાજપને ૧ વધુ, કોંગ્રેસે ૩ ગુમાવી
ગત ટર્મની ચૂંટણીમાં ૩૩ બેઠકો પૈકી ભાજપને માત્ર ૧૫ બેઠકો મળી હતી જ્યારે ૧૮ બેઠકો સાથે કોંગ્રેસ સત્તામાં આવી હતી. જયારે આ વખતે ૩૨ બેઠકો પૈકી ભાજપને એક બેઠક વધુ મળી છે તો કોંગ્રેસની જીતમાં ત્રણ બેઠકો ઓછી આવી છે.
કોંગ્રેસ ફાવ્યો નહીં
ગાંધીનગરની વાત કરીએ તો ગત ટર્મમાં ભલે ભાજપની હાર થઇ, પરંતુ છેવટે રાજકીય આટાપાટામાં ભાજપ મેદાન મારી ગયું હતું. કોંગ્રેસના સભ્યોની વિકેટ પાડી છેવટે ભાજપ સત્તા આવી હતી
નસીબની બલિહારી
ભાજપ કોંગ્રેસને આ વખતે સરખી બેઠકો મળતાં ટાઇ પડી છે. હવે સત્તાની પસંદગી નસીબ દ્વારા કરાશે. બોર્ડની બેઠકમાં ચિઠ્ઠી ઉછાળી સત્તા સોંપાશે. આમેય છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતમાં પંજામાંથી નસીબની રેખાઓ ઓછી થયાનું દેખાય છે.
ત્રણ વોર્ડમાં ભાજપની હાર
ભાજપ કોંગ્રેસને ભલે સરખી બેઠકો મળી હોય, પરંતુ વોર્ડના પરિણામ જોઇએ તો ક્રોસ વોટીંગ થયાનું સ્પષ્ટ છે. જેમાં ભાજપ ત્રણ વોર્ડમાં તો ખાતું પણ ખોલાવી શક્યું નથી જ્યારે સામે કોંગ્રેસે બે વોર્ડમાં ખાતું ખોલાવી શક્યું નથી. વોર્ડ-૨, ૫ અને ૭માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળ્યો છે એટલે કે ચારેય બેઠકો જીતી છે તો સામે પક્ષે ભાજપે માત્ર એક માત્ર ૧ અને ૩ નંબરના વોર્ડમાં જ ચારેય બેઠકો જીતી છે, પરંતુ વોર્ડ નં ૪, ૬ અને ૮માં ભાજપે ત્રણ ત્રણ બેઠકો જીતી છે અહીં કોંગ્રેસને એક એક જ બેઠક મળી છે.


