અમદાવાદઃ ગાંધીનગરમાં ૩૦ ઓગસ્ટે સ્ટેટ આઉટરીપ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરે જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારની દરખાસ્તનો સ્વીકાર કરાયો છે. જે મુજબ ગુજરાતમાં ગાંધીનગર, સાબરકાંઠા, અમરેલી, બારડોલી અને સુરેન્દ્રનગરમાં એમ નવા પાંચ પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ કરાશે. તેઓએ કહ્યું હતું કે વિદેશ જવા માગતા નાગરિકોની સમસ્યાનો ઉકેલ અમારી પ્રાથમિકતા છે.
તેઓએ કહ્યું કે, અમારા માટે વ્હાઇટ કોલર, બ્લ્યુ કોલર એવા કામના પ્રકારો નથી. તિરંગા કલર જ અમારા માટે મહત્ત્વ ધરાવે છે. જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતી વિશ્વમાં કયાંય પણ વસે ગુજરાત સાથેનું તેમનું જોડાણ અજોડ હોય છે. રાજ્ય બહાર વસતા ગુજરાતીઓ સાથે ગુજરાતે સતત જીવંત સંબંધ રાખ્યો છે.


