ગાંધીનગરઃ લુફથાન્સા એરવેઝની ફિડર એરલાઇન્સ યુરોપિયાન કોસ્ટલ એરલાઇન્સમાં સિન.ફર્સ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગાંધીનગરના પ્રથમ પાઇલટ વત્સલ ઉપાધ્યાયનું ક્રોએશિયામાં એક વિમાન અકસ્માતમાં મોત થયું હતું. ડ્યૂટી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે પેસેન્જર તરીકે બેઠેલા વત્સલનું વિમાન પહાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. ગત સપ્તાહે વત્સલના મૃતદેહને સેક્ટર-૪-એમાં તેના નિવાસસ્થાને લવાયો ત્યારે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતાં. સ્વ.ની અંતિમયાત્રામાં પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણ કરૂણ બની ગયું હતું.
ગાંધીનગરમાં રહેતાં પ્રકાશકુમાર ઉપાધ્યાયનો પુત્ર વત્સલ (ઉં. ૨૭) ક્રોએશિયાના સ્પીલ્ટ શહેરમાં પત્ની એન્જલ સાથે રહેતો હતો અને યુરોપિયન કોસ્ટલ એરલાઇન્સમાં ફરજ બજાવતો હતો. શુક્રવારે સાંજે 5 વાગ્યે ડ્યૂટી પુરી કરી ટ્રેઇની પાઇલટના પ્લેનમાં પેસેન્જર તરીકે બેસી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે તેની સાથે પ્લેનમાં ટ્રેઇની પાઇલટ સહિત અન્ય બે વ્યક્તિઓ હતી. ટેક ઓફ વખતે પ્લેન પહાડ સાથે ટકરાતાં અકસ્સમાત સર્જાયો હતો. તેમાં વત્સલ અને અન્ય એક પાઇલટનું મોત થયુ હતું.


