ગાંધીનગરઃ જ્યોતિ સિસોદિયાએ તુર્કી ખાતે રમાઈ રહેલી વર્લ્ડ સ્કૂલ ગેમ્સ-૨૦૧૬માં કુશ્તીની રમતમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. દેશના ઇતિહાસમાં કુશ્તીની રમતમાં વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય ચંદ્રક પ્રાપ્ત થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. જ્યોતિએ ૪૩ કિ.ગ્રા. કસોટીમાં આ સિદ્ધિ મેળવી છે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેતાજી સુભાષ વેસ્ટર્ન સેન્ટરના સ્પોર્ટ્સના ટ્રેઇનિંગ સેન્ટરની તાલીમથી જ્યોતિ ૪૩ કિ.ગ્રા. કેટેગરીમાં રજત ચંદ્રક હાંસલ કરી શકી છે. ગાંધીનગરના સેક્ટર-૧૬માં સરકારી ક્વાર્ટરમાં રહેતી જ્યોતિ સિસોદિયાએ ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર કુશ્તીની રમતમાં ભારતને પદક અપાવી દેશનું નામ રોશન કર્યું છે. જ્યોતિને સાઈના રિજીયોનલ ડાયરેક્ટર આર. કે. નાયડુ તથા ડાયરેક્ટર જનરલ ઇન્જેરી શ્રીનિવાસે અભિનંદન પાઠવ્યા છે. સાઈના કુશ્તીના કોચ હરીશ રાજોરા પાસે તાલીમ મેળવી રહી છે.
પરિવારની તમામ દીકરીઓ ખેલાડી
વિશ્વ સ્તરે ગાંધીનગર સહિત દેશનું નામ રોશન કરનાર જ્યોતિના પિતા દશરતસિંહ સિસોદિયા સેક્ટર ૧૫માં સાઈ સંકુલમાં જ વોચમેનની નોકરી કરે છે. સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારના દશરથસિંહને ચાર દીકરી અને એક દીકરો છે. જેમાં જ્યોતિ બીજા નંબરની દીકરી છે. સૌથી મોટી દીકરી કરિશ્મા પણ હેન્ડબોલની રમતમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડી છે. ત્રીજા નંબરની દીકરી ભાવના જિમ્નાસ્ટિકની રાજ્ય કક્ષાની ખેલાડી છે. ચોથા નંબરની દીકરી કુસુમ હજુ ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તે પણ કુશ્તીની રમતમાં ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. સૌથી નાનો દીકરો નરેન્દ્ર ધોરણ-૮માં અભ્યાસ કરે છે. દશરથસિંહ કહે છે કે પોતે સાઈમાં ૨૨ વર્ષથી કાર્યરત હોવાથી તેમની દીકરીઓમાં રમતના ગુણ વિકસ્યા છે. તેનો આનંદ છે. તેઓ પોતાની દીકરી રાજ્ય કે નેશનલ કક્ષાએ જ્યાં રમતી હોય ત્યાં હંમેશા તેની સાથે જ જાય છે, પરંતુ આ વખતે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત હોવાથી તેઓ જઈ શક્યા નથી.


