ગાંધીનગરમાં હરાજીમાં પ્લોટ રૂ. ૨૫ કરોડમાં વેચાયો

Thursday 04th June 2015 08:29 EDT
 

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી પ્લોટોની હરાજીમાં સરકારને મોટી સફળતા મળી છે. જોકે, સરકારે નાના-મોટા ૯૬ પ્લોટો હરાજીમાં મુક્યા હતા પરંતુ તે પૈકીમાંથી બાવન પ્લોટોમાં એક બીડ અથવા એકપણ બીડ ન ભરાવાના કારણે હરાજી રદ કરાઈ છે. જ્યારે ૪૬ પ્લોટોની હરાજીમાં સરકારને મોટી કિંમત મળી છે. ૩ મેએ કોમર્શિયલ ઉપરાંત રેસિડેન્સિયલ અને ડોક્ટર હાઉસના પ્લોટોની હરાજી યોજાઈ હતી જેમાં અત્યાર સુધીમાં સૌથી ઉંચી કિંમત સરકારને કોમર્શિયલ હેતુ માટેના એક પ્લોટમાં મળી છે. સેક્ટર-૧૧નો એક પ્લોટ ૧૮૭૫ ચો.મી. વિસ્તારનો હતો તે રૂ.૨૫.૩૩ કરોડમાં વેચાયો છે. આ સહિતના આ સેક્ટર વિસ્તારમાં બાકીના પ્લોટમાં રિંગ કરવામાં આવી હતી. જેમાં ભાજપના જ રાજકારણીઓ હતા પરંતુ તેઓ રિંગમાં સફળ થઈ શક્યા ન હતા. તેવી જ રીતે સેક્ટર-૨૨માં રેસિડેન્સિયલનો એક પ્લોટ રૂ. ૧૦.૩૩ કરોડમાં વેચાયો છે. જે ૧૩૯૧ ચો.મી. વિસ્તારનો હતો. અત્યાર સુધીમાં ૪૬ પૈકી ૪૪ પ્લોટોની હરાજી પૂર્ણ થઈ છે.

ગુજરાત કેડરના અધિકારીઓની સેક્રેટરીપદે નિમણૂકઃ ભારત સરકારમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા ગુજરાત કેડરના સિનિયર આઈએએસ ઓફિસરોનું કદ વધી રહ્યું છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ગત સપ્તાહે થયેલા ફેરફારોમાં કોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેકનલોજી ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં સ્પે.સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના રીતા તેવટીયાની કોર્મસ મંત્રાલયમાં સેક્રેટરી પદે નિયુક્તી થઇ છે. ૧૯૮૧ની બેચના તેવટીયા વર્ષ ૨૦૧૨થી ભારત સરકારમાં ડેપ્યુટેશન પર છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના નાણાં વિભાગમાં એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સ્પે.સેક્રેટરી તરીકે કાર્યરત ૧૯૮૧ની બેચના પી.કે. પૂજારીને પાવર મિનિસ્ટ્રીમાં સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. 

ગણપત વસાવાની કેન્દ્રીય કમિટીમાં નિમણૂકઃ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને લોકસભાની નવરચિત ઓલ ઇન્ડિયા પ્રિસાઇન્ડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાની સભ્ય તરીકે નિયુક્તિ કરી છે. આ કમિટી લોકસભાની હાઇપાવર કમિટી ગણાય છે. લોકસભાના સ્પીકર હોદ્દાની રૂએ ચેરમેન ગણાય છે. ૧૦ સભ્યોમાં વસાવાનો સમાવેશ કરાયો છે. ગણપત વસાવા અગાઉની કમિટીમાં પણ સભ્ય તરીકે હતા.

ધોલેરા સર માટે રૂ.,૩૧૮ કરોડની ફાળવણીઃ કેન્દ્ર સરકારે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ઔદ્યોગિક ક્ષેત્રમાં રોડ અને પાયાની સવલતોના નિર્માણ માટે રૂ. ૪,૩૧૮ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટીની બેઠકમાં ગુજરાત ધોલેરાના ફેઝ-૧ અને મહારાષ્ટ્રમાં શેન્દ્રા બિદકીન ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ-૧માં ટ્રન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ, અને સર્વિસ, એબીસીડી બિલ્ડિંગ કોમ્પલેક્સ, વોટર એન્ડ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter