અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રિમાં સાર્વત્રિક એકથી ચાર ઈંચ વરસાદ થતાં નવરાત્રિના મંડપો ધોવાઈ જતાં આયોજકોથી લઈ ખેલૈયાના આયોજનો પર પણ પાણી ફરી વળ્યું હતું.
ઉત્તર ગુજરાત: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ૨૯મીથી તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. ધનસુરા, બાયડ અને રોઝડ વિસ્તારમાં સોમવારે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો.
મધ્ય ગુજરાત: વડોદરા, પંચમહાલ, દાહોદ, હાલોલ, પાવાગઢ, ખેડા, નડીઆદમાં સોમવારે એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વડોદરાના દંતેશ્વરમાં વીજળી પડતાં વીજ ઉપકરણો બળી ગયાં હતાં.
કચ્છ-સૌરાષ્ટ્ર: બોટાદમાં સોમવારે સૌથી વધુ ૪ ઈંચ જ્યારે બાબરામાં ૩, જૂનાગઢમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. આ સિવાય સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, મોરબી, બાવળા, ધંધુકા, વિરમગામ, ભાવનગર, ગારિયાધાર, માળિયામિયાણા સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ હતો.
દક્ષિણ ગુજરાત: નવરાત્રિના સતત બીજા દિવસે વરસાદી માહોલ આ વિસ્તારમાં યથાવત રહ્યો હતો. ઓલપાડ, બારડોલી, મહુવામાં સવા બે ઈંચ,
નવસારી, વાપીમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.


