અમદાવાદઃ ગુજરાતી સુગમ સંગીત અને ભક્તિસંગીતના યશસ્વી ગાયક જનાર્દન રાવલનું પાલડી, દિવાકર સોસાયટીના તેમના નિવાસસ્થાને ટૂંકી માંદગી બાદ સોમવારે સવારે અવસાન થયું હતું. તેઓ ૮૧ વર્ષનાં હતા. સદગત હર્ષિદા જનાર્દન રાવલ દંપતીએ દાયકાઓ સુધી ગુજરાતી સુગમ-ભક્તિ સંગીત ક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું હતું. ‘એવા રે મનના મેળ...’, ‘બે ફૂલ ચડાવે મૂર્તિ પર પ્રભુ નહીં મળે સસ્તામાં...’ એકલા જ આવ્યા મનવા' વગેરે જેવાં દંપતીના સ્વરમાં ગવાયેલી અનેક રચનાઓ લોકપ્રિય છે. જનાર્દન રાવલને રાજ્ય સરકારના ‘ગૌરવ પુરસ્કાર' સહિતના અનેક પુરસ્કારો અર્પણ થયા હતા. તેઓ ગાયક સાથે સાથે જૂની આબાદ ડેરી અને ગુજરાત ડેરી વિકાસ નિગમના એક સમયે પીઆરઓ પણ રહ્યા હતા. પુત્ર કેદાર અને પુત્રી સોનલ અને તેમના પરિવારજનોમાં પણ સંગીત વારસાગત રીતે ઉતર્યું છે.


