વલસાડઃ દાદરા નગર હવેલી તથા વલસાડમાં મધ્યમ વરસાદ વચ્ચે ૩જી સપ્ટેમ્બરે સવારે અને ચોથીએ રાત્રે ભૂકંપના આંચકા આવ્યાં હતા. કપરાડા તાલુકાના ગિરનારા ગામના પારસપાડા ફળિયામાં આવેલી નળગદેવ હિલ ઉપર સરકારી શીરપડતર જમીનમાં આશરે ૧ કિ.મી. સુધીના વિસ્તારમાં મોટી તિરાડો પડી હતી. આ જમીનમાં એક કિ.મીના અંતરમાં જમીન ધસીને નીચે બેસી જતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. છઠ્ઠીના અહેવાલો પ્રમાણે ત્રણ દિવસથી જમીન ખસતી હતી અને શનિવારે એક કિ.મી. કરતા પણ વધુ જમીનમાં ખાડા પડી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. લોકોએ કહેવું છે કે ભૂકંપના કારણે જમીનમાં તિરાડ પડી છે. આ ઘટનામાં કપરાડા તાલુકાના ગિરનારા ગામે પારસાપાડા ફળિયામાં સરકારી જમીન ૮થી ૯ ફૂટ જેટલી નીચે ખસી ગઈ હતી અને ૯૦ ફૂટ લાંબો ખાડો પડી ગયો હતો જેથી લોકો આશ્ચર્યચકિત થયાં હતાં. ગામ લોકોએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપના ઝટકા પણ આવતા હતા અને શનિવારે ફરી આંચકા લોકોએ અનુભવ્યા હતા. જમીન ફાટી જવાની કે જમીનમાં તિરાડો પડી જવાની ઘટના ભૂકંપને કારણે જ બની છે. ફળિયાથી ૭૦૦થી ૮૦૦ મીટરના અંતરે જ ઘટના બની હોવાથી લોકો ભયભીત થયા છે.