ગાંધીનગરઃ ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોના સંરક્ષણ માટે ટેકનિકલ જ્ઞાન આદાન-પ્રદાન સહાય મેળવવા રાજ્યના વન વિભાગ અને ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન વચ્ચે સમજૂતી કરાર થયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી દસ સિંહોને અન્ય રાજ્યોમાં શૈક્ષણિક, વન્યપ્રાણીઓના વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ અને સંવર્ધનના હેતુ માટે મોકલાયા છે. કેટલાક કિસ્સામાં વિનિમય હેઠળ વિવિધ પ્રજાતિના વન્ય પ્રાણીઓ મેળવ્યા હોવાનું સરકારે જણાવ્યું હતું.
• ભદેલીમાં સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાનું અનાવરણઃ પૂર્વ વડા પ્રધાન અને ‘ભારતરત્ન’ અને ‘નિશાને પાકિસ્તાન’ એવોર્ડથી સન્માનિત એવા વલસાડના ભદેલી ગામના પનોતા પુત્ર મોરારજીભાઈ દેસાઈનો હિન્દુ પંચાગ મુજબ ધૂળેટીના દિવસે જન્મદિન હતો. ૬ માર્ચના રોજ આ ઊજવણી નિમિત્તે યાદગીરીરૂપે ગામમાં તેમની અર્ધપ્રતિમાનું ગાંધીવાદી કાર્યકર ગફુરભાઈ બીલખીયાએ અનાવરણ કર્યું હતું. સ્વ. દેસાઈના પરિવારના મધુકેશ્વરભાઈ અને તેમના પરિજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગફુરભાઈએ મોરારજી દેસાઈ સ્મારક સમિતિને રૂ. એક લાખની ટોકન રકમ આપવાની જાહેરાત કરી હતી તથા ગામની પ્રાથમિક શાળાના રિનોવેશન માટે રૂ. એક લાખ આપવાની પણ જાહેરાત કરી હતી.
• રાજકોટને એપ્રિલથી રોજ મળશે ૨૨૦ MLD પાણીઃ રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. આવતા મહિનાથી શહેરને નર્મદાના પાણીનો જથ્થો દૈનિક ૧૮૦ બદલે ૨૨૦ એમએલડી મળતો થશે, તેવો સત્તાવાર નિર્ણય સોમવારે ગાંધીનગર ખાતે પાણી પુરવઠા પ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં સ્થાનિક જળાશયો ખલાસ થશે ત્યારે શહેરીજનોને વધુ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રૂ પાંચ કરોડના ખર્ચે ખંભાળાથી ઇશ્વરિયા સુધીની આશરે ૩ કિ.મી. લાંબી પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવી છે અને આ કામ માર્ચ સુધીમાં પૂર્ણ થશે. અત્યારે આજી ડેમ પર ૧૧૦, રૈયાધાર પર ૬૫ અને ઈશ્વરિયા પર દૈનિક ૧૦ એમએલડી નર્મદાનું પાણી મળે છે.
• રેલવે પ્રવાસીઓ માટે ખાસ કસ્ટમર કમ્પ્લેઇન પોર્ટલ, એપ લોન્ચઃ સંસદમાં વર્ષ ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં પ્રવાસીઓની સુવિધા માટે કસ્ટમર કમ્પ્લેઇન વેબ પોર્ટલ સહિત અનેક નવી સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાતોના પગલે રેલવે દ્વારા ઝડપી કાર્યવાહી કરતા પ્રવાસીઓની ફરિયાદ માટે ‘કસ્ટમર કમ્પ્લેઇન અને સજેશન નામનું વેબ પોર્ટલ’ અને નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય તેવી મોબાઈલ એપ લોન્ચ થઇ છે. મુસાફરી દરમિયાન ફરિયાદ કરવા અથવા સૂચન આપવા ઇચ્છતા લોકો યુઆરએલ www.coms.
indianrailways.gov.in પર તેમ જ તેની મદદથી મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકે છે. મુસાફરે ટ્રેનનો નંબર, કોચ નંબર અને પીએનઆર નંબર તેમ જ તારીખ ફરજિયાત લખવી પડશે. જેના આધારે ફરિયાદ નોંધાયા બાદ તેમને ફરિયાદ નંબર મળશે. જ્યાં ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રવાસી જેતે સમયે તેનું સ્ટેટસ પણ જાણી શકશે. પેસેન્જરો માટે આ નવી સુવિધા રેલવેના સોફ્ટવેર તૈયાર કંપની ક્રિસ દ્વારા તૈયાર કરાયું છે.
• સોહરાબ કેસમાં ગીથા જોહરીની ડિસ્ચાર્જ અરજી મંજૂરઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ સરકારની મંજૂરી વગર આઈપીએસ ગીથા જોહરી સામે મૂકેલા ચાર્જશીટના કારણે મુંબઈની ખાસ કોર્ટે તાજેતરમાં તેમને કેસમાંથી મુકત કર્યા છે.