ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન- ગુજકોમાસોલના ચેરમેનપદેથી ૭૮ વર્ષના નટવરલાલ પિતાંબરદાસ પટેલને દૂર કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આ સંસ્થામાં નવી ચૂંટણી યોજવા મુદ્દે ૬ વર્ષથી વિવિધ કોર્ટોમાં ચાલેલી ન્યાયિક લડાઈમાં સુપ્રીમે આદેશ આપતાં ૧૩મીએ જ તાત્કાલિક નટુભાઈને હટાવીને સરકારે જોઈન્ટ રજિસ્ટ્રારની કસ્ટોડિયન તરીકે નિયુક્તિ કરી હતી. દેશના સહકારીક્ષેત્રમાં લાંબો સમય શાસન ભોગવનારા નટવરલાલ પિતાંબર પટેલ માટે અનેક સંસ્થાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ગુજકોમાસોલના ચેરમેનપદ અંગે મુદ્દત ૨૦૧૧માં પૂરી થઈ હતી, પરંતુ ત્યારે નવી ચૂંટણીની પ્રક્રિયામાં પોતાના વિરોધમાં મતદાન કરે તેવી અનેક મંડળીઓના સભ્યોને એકતરફી નિર્ણય કરીને સભ્યપદેથી દૂર કર્યા હતા.


