ગાંધીનગર: યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)ની ત્રીજી વાર્ષિક પરિષદમાં વિશેષ પબ્લિક સેશનમાં સંબોધન કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘ગુજરાતમાં ઔદ્યોગિક સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણોની તક’ વિષયે ચોથીએ સંબોધન કર્યું હતું. યુએસના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યાવસાયિકોને હિમાયત કરતા રૂપાણીએ કહ્યું હતું કે, વિ હેવ ધ રિચ યુએસ કંપનીઝ હેઝ એકસપર્ટિઝ વી આર ઇગર ટુ વર્ક ટુ ગેધર. આ પાંચ દિવસીય સેમિનારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક સહિત વિવિધ મહાનુભાવોનાં સંબોધન ગોઠવાયાં હતાં. મુખ્ય પ્રધાને ગુજરાત અને યુએસના સ્ટાર્ટઅપ સાથે મળીને બિઝનેસ ઇકોસિસ્ટમ માટે સ્ટાર્ટઅપ એગેન્જમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની હિમાયત કરી હતી. તેમણે સેમી કંડકટર્સ, ઇલેક્ટ્રોનિકસ, ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ પાટર્નરશિપ લાભદાયી નિવડશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ગુજરાત યુએસ સાથે લાઇફ સાયન્સ, ડિફેન્સ, પેટ્રોકેમિકલ્સ, ક્લિન એનર્જી, લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં સહભાગીદારી માટે ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં મેડિસિન અને આરોગ્ય ક્ષેત્રે રોકાણની ઉજ્જવળ તક હોવાનું પણ રૂપાણીએ જણાવ્યું હતું.