અમદાવાદઃ એચઆઈવી-એઇડ્સને અંકુશમાં રાખવામાં માટે સરકાર ઝુંબેશ ચલાવે છે. જેનું સારું પરિણામ દેશમાં જોવા મળ્યું છે. દેશમાં વર્ષ ૨૦૦૭માં ૨૨.૨૬ લાખ એચઆઈવીના દર્દી હતા, જે વર્ષ ૨૦૧૫માં ઘટીને ૨૧ લાખ થઈ ગયા છે. જોકે, રાજ્યમાં પરિસ્થતિ થોડી વિપરીત છે. દેશમાં એચઆઈવીના દર્દીઓની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ ગુજરાતમાં એ સંખ્યામાં વધારો થયો છે. ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે લોકસભામાં આપેલા આંકડા મુજબ આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કર્ણાટક બાદ ગુજરાત એચઆઈવીના દર્દીઓની સંખ્યામાં ચોથા ક્રમે છે જ્યારે દવા અને સારવાર લેવામાં ૨૦મા ક્રમે છે. જોકે ગુજરાતમાં આ રોગનાં દર્દીઓનું મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં ૧૧ હજારના મૃત્યુ થયાં હતાં જ્યારે વર્ષ ૨૦૧૫માં ૬ હજાર દર્દી મોતને ભેટ્યા હતા.

