અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને ૧૫મી ઓગસ્ટને અનુલક્ષીને દેશભરના રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ આઇબીને ઈનપુટ મળ્યા છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલા થઈ શકે તેમ છે.
આ સંદર્ભે આઇબીએ ગુજરાત સરકારને ખાનગી રિપોર્ટ મોકલીને દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવા, ધાર્મિક સ્થળો ઉપર સઘન ચેકિંગ કરવા માટે તાકીદ કરી છે. સાથોસાથ ગુજરાતમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવા માટે રાજ્ય પોલીસ વડા શીવાનંદ ઝા દ્વારા ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને ૧૫મી ઓગસ્ટને અનુલક્ષીને રાજ્યભરમાં ૧૫મી રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીઓ થવાની છે ત્યારે ઇન્ડિયન મુજાહુદ્દીન અને લશ્કરે તોયબા આતંકવાદી સંગઠન દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલા થવાની દહેશત આઇબીને મળી હતી. જેના પગલે મહારાષ્ટ્ર અને ગુજરાતના ડીજીપી દ્વારા પોલીસને સતત એલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા છે. અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે એલર્ટ રહેવા સૂચના આપી છે.


