અમદાવાદઃ રાજ્ય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યું છે. પક્ષના ત્રિદિવસીય અધિવેશન બાદ રાહુલ ગાંધીને ભરતસિંહે બંધ કવરમાં રાજીનામું આપ્યું છે. જોકે હાઈકમાન્ડ રાજીનામું મંજૂર કરવું કે કેમ તે અંગે ભરતસિંહ વિદેશ પ્રવાસેથી પરત ફરે પછી નિર્ણય કરશે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવે છે. સોલંકીની તબિયત સારી રહેતી ન હોવાથી તેમણે લોકસભાની આગામી ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો છે અને સીધા રાજ્યસભામાં મોકલવાની ઈચ્છા દર્શાવી હતી.
આ ઉપરાંત ચર્ચા છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે સોલંકીએ કૂણું વલણ અપનાવ્યું હતું. ૩૫થી વધુ મળતિયાઓને નોટિસ પણ આપી નહોતી. આ મામલે રાહુલ ગાંધી સુધી ફરિયાદો પહોંચતાં હાઈકમાન્ડે સોલંકીને ખખડાવ્યા હતા. ઉપરથી ભરતસિંહને રાજ્યસભામાં મોકલાયા નહોતા.
વિધાનસભા ચૂંટણીમાં પણ જૂથવાદ ડામવામાં ભરતસિંહની કામગીરી નબળી હતી એ વાત પ્રદેશ પ્રમુખે સ્વીકારી હતી. અલબત્ત, રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધિવેશનમાં સ્પષ્ટ શબ્દોમાં દેશભરમાં કોંગ્રેસની નવી નેતાગીરીના સાફ શબ્દોમાં સંકેતો આપ્યાં હતાં. તેથી શક્ય છે કે આ રાજીનામું સ્વીકારી લેવામાં પણ આવે!
રાજીનામાની વાત પોકળ
સોમવારે મોડી સાંજે દિલ્હીથી પરત ફરેલા પ્રદેશ પ્રમુખે એર પોર્ટ પર જણાવ્યું હતું કે, મેં પ્રદેશ પ્રમુખ તરીકે હાઈકમાન્ડને રાજીનામું આપ્યું છે તેવી અટકળો છે પણ વાતમાં કોઈ તથ્ય નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ ભરતસિંહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે કે કેમ તેવો સ્પષ્ટ સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે, આ બાબતનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ ૨૧મી માર્ચથી લંડન-યુએસએના પ્રવાસે જાય છે.


