અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વધુ એક વખત ગુજરાત કોંગ્રેસ તૂટવાના એંધાણ મળી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ટ્વિટ કર્યું છે કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પર ભાજપની નજર છે. આ ટ્વિટના કારણે ગુજરાત કોંગ્રેસમાં ધરતીકંપ આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. આમ છતાં પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યે ટ્વિટ કરીને એવી પ્રતિક્રિયા આપી છે કે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ કરી છે. કોંગ્રેસના દસ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ સમગ્ર ઘટના અંગે ખબર પડતાં જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માને જાણકારી આપવામાં આવી છે. કોંગ્રેસના શુભચિંતક હોવાના નાતે મારી ફરજ છે કે ભાજપના ષડયંત્રનો પર્દાફાશ કરું. મેં અત્યારથી જ કોંગ્રેસને ચેતવી દીધી છે.
ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યો તૂટવાની પરંપરા નવી રહી નથી. રાજ્યસભાની ચૂંટણી વખતે પણ શંકરસિંહ વાઘેલાએ બળવો કરતાં 10થી વધુ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. બે વર્ષ પહેલાં પણ 8 કોંગ્રેસી ધારાસભ્યે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. અત્યાર સુધીમાં 25થી વધુ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરીને મંત્રીથી માંડીને ધારાસભ્ય બન્યા છે. ભાજપ સંગઠનમાં હોદ્દા ય મેળવ્યા છે. હવે કોંગ્રેસ પાસે માત્ર 67 ધારાસભ્યો બચ્યા છે.
ભાજપના ધારાસભ્યો મારા સંપર્કમાંઃ રાઠવાનો દાવો
વલસાડ જિલ્લાના કપરાડામાં યોજાયેલી રેલીમાં ઉપસ્થિત રહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપના 10 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. વિપક્ષી નેતાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેટલાંક ધારાસભ્યો અને નવી સરકાર બન્યા બાદ ધારાસભ્યની ટિકીટ નહીં મળવાની શક્યતા ધરાવતા 10થી વધુ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. કદાવર પાટીદાર નેતા નરેશ પટેલ સામે અમે સતત સંપર્કમાં છીએ, જો તેઓ અમારી સાથે રહેશે તો કોંગ્રેસ ચોક્કસ સરકાર બનાવશે.
અત્યાર સુધી કયા ધારાસભ્યે કોંગ્રેસ છોડી?
• જીતુ ચૌધરી - કપરાડા • સી.કે. રાઉલજી - ગોધરા • પ્રદ્યુમનસિંહ જાડેજા - અબડાસા • કુંવરજી બાવળિયા - જસદણ • હકુભા જાડેજા - જામનગર • સોમાભાઈ પટેલ - લીમડી • બ્રિજેશ મેરજા - મોરબી • પરસોત્તમ સાબરિયા - ધાંગધ્રા • જશા બારડ - ગીર સોમનાથ • રાજેન્દ્રસિંહ ચાવડા - હિંમતનગર • તેજશ્રીબહેન પટેલ - વિરમગામ • અલ્પેશ ઠાકોર - રાધનપુર • અમિત ચૌધરી - માણસા • મંગળ ગાવિત - ડાંગ • અક્ષય પટેલ - કરજણ • દેવજી ફતેપરા - સુરેન્દ્રનગર • જવાહર ચાવડા, માણાવદર • રાઘવજી પટેલ, જામનગર • પ્રવીણ મારુ - ગઢડા • જે.વી. કાકડિયા - ધારી • વલ્લભ ધારવિયા, જામનગર ગ્રામ્ય • બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર • કરમશી પટેલ - સાણંદ • આશા પટેલ - ઉંઝા • ધવલસિંહ ઝાલા - બાયડ • મહેન્દ્રસિંહ વાઘેલા - બાયડ