અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ મોવડી મંડળે ચર્ચાવિચારણાના લાંબા દૌર બાદ ગુજરાતની વધુ સાત લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારી છે. આ નામોની સત્તાવાર ઘોષણા બાકી છે, પણ નક્કી થયેલાં ઉમેદવારોને પ્રચારમાં લાગી જવાની સૂચના આપી દેવાઇ છે. કોંગ્રેસે પાટણ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, બારડોલી, પંચમહાલ અને વલસાડ બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં ચાર વર્તમાન સાંસદો, એક પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ સાંસદનો સમાવેશ થાય છે.
• કોંગ્રેસે રાજકોટમાંથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ આપી છે. ભાજપના મોહન કુંડારિયા સામે તેઓ ચૂંટણી જંગ લડશે. કોંગ્રેસે આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલ્યું છે. પોરબંદરમાં ય કોંગ્રેસે વર્તમાન પાટીદાર ધારાસભ્ય લલિત વસોયા પર પસંદગી ઉતારી છે. પોરબંદરમાં ભાજપ હાઈ કમાન્ડે વિઠ્ઠલ રાદડિયાનું પત્તુ કાપ્યું છે એટલે આંતરિક રોષ ચરમસીમાએ છે. આ સંજોગોને ધ્યાને લઇ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર મેદાને ઉતાર્યું મનાય છે.
• જૂનાગઢમાં વર્તમાન ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાંસદની ચૂંટણી લડવા હાઈ કમાન્ડે આદેશ કર્યો છે. પૂંજાભાઇ છેલ્લી સાત ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાઈ રહ્યા છે. ગયા વર્ષે પણ કોંગ્રેસે તેમને જ ટિકિટ આપી હતી, પણ તેઓ હાર્યા હતાં. ફરી એક વાર કોંગ્રેસે પૂંજા વંશ પર જ ભરોસો મૂક્યો છે.
• આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતા વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરીને વલસાડ બેઠક પર ટિકિટ અપાઇ છે. આ બેઠક પર અત્યાર સુધી કિશન પટેલનું નામ ચર્ચામાં હતું, પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસ ફેર વિચારણા કરી હતી અને આખરે સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને જીતુ ચૌધરીને ટિકિટ આપવા નક્કી કરાયું હતું.
• પંચમહાલમાં કોંગ્રેસે વી. કે. ખાંટને ટિકિટ આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય સવિતાબેન ખાંટનાં મૃત્યુ બાદ તેમને વિધાનસભાની પેટા-ચૂંટણી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ ચૂંટણી જંગ હાર્યા હતા. જોકે, હાઈ કમાન્ડે તમામ પાસાઓ ચકાસીને લોકસભા માટે વી. કે. ખાંટને પસંદ કર્યા છે. આ બેઠક પર ભાજપ તરફથી રતનસિંહ મેદાનમાં છે. ભાજપે અહીં ધારાસભ્ય સી. કે. રાઉલજી અને સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પત્તા કાપીને રતનસિંહની પસંદગી કરી હોવાથી આંતરિક અસંતોષનો ચરુ ઉકળે છે.
પાટણમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. ગત વખતે આ બેઠક પર તેઓ ચૂંટણી લડ્યા ન હતાં. આ બેઠક પર અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાનું માંડી વાળતા જગદીશ ઠાકોરની પસંદગી કરાઈ હતી. ઠાકોર મતદારો પર તેમનું ખાસ્સુ પ્રભુત્વ છે. જોકે, ભાજપે આ બેઠક પર હજુ ઉમેદવાર જાહેર કર્યો નથી.
• બારડોલીમાં ય પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને ટિકિટ મળી છે. ચૂંટણી લડવાની હોવાથી આદિવાસી પટ્ટામાં તેઓ છેલ્લા લાંબા સમયથી મતદારો સાથે સંપર્કમાં હતાં. આખરે હાઇ કમાન્ડે પણ સર્વે કરાવીને પસંદગીનો કળશ તુષાર ચૌધરી પર ઢોળ્યો છે.
આમ, કોંગ્રેસે અંતિમ તબક્કામાં આ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ કોંગ્રેસ હાઇ કમાન્ડે અન્ય બેઠકો પર ભાજપ સામે સક્ષમ ઉમેદવારો ઉતારવા મંથન કરી રહ્યું છે.


