કોંગ્રેસ પસંદગીના ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલી દેશે
અમદાવાદઃ દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાાતિવાદ આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે, ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે. પ્રથમ તબક્કામાં ૩૦ વર્તમાન ધારાસભ્યો સહિત ૭૦ ગ્રામીણ બેઠકો પર પસંદ થયેલા ઉમેદવારો નક્કી કરી લેવાયા છે. કોંગ્રેસે બે તબક્કામાંથી થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારી પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરી છે. જોકે, હજુ કેટલીય બેઠકો પર ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા એહમદ પટેલની નૈયા પાર કરાવનારા આદિવાસી નેતા ધારાસભ્ય છોટુ વસાવાનાં પુત્ર મહેશ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નામે નવા રાજકીય પક્ષનું કેન્દ્રીય ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જાણકારો કહે છે કે, એહમદ પટેલની લાજ બચાવવાના બદલામાં છોટુ વસાવાએ મોં ફાડીને કોંગ્રેસ પાસે બે અંકમાં વિધાનસભા બેઠકોની માગણી કરી છે, પણ કોંગ્રેસની નેતાગીરી ઝઘડિયા અને ડેડિયાપાડા સિવાય બીજી કોઈ સીટ આપવા તૈયાર નથી.
રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ‘વિવાદિત’ અધિકારી નહિ: સુપ્રીમ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહેલા અધિકારીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરજ પર મહત્ત્વની જગ્યાએ ન મૂકવા ચૂંટણી પંચને સૂચના આપી છે. જોકે, ચૂંટણી પંચે અગાઉથી જ કોઇ ‘વિવાદિત’ અધિકારીનું પોસ્ટિંગ નહિ કરવાની સુપ્રીમને ખાતરી આપી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે ‘અમે ચૂંટણી પંચને સૂચના આપીએ છીએ કે કોઇપણ જિલ્લામાં આવા અધિકારીનું પોસ્ટિંગ ન કરવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯ અને ૧૪ ડિસેમ્બરે યોજવામાં આવશે. બેન્ચે ચૂંટણી પંચને પોલિંગ બુથની અંદર સીસીટીવી કેમેરા ગોઠવવાની સૂચના આપવા ચૂંટણી પંચને ઇનકાર કર્યો છે. કોંગ્રેસના નેતા પ્રકાશ જોશીએ કરેલી અરજીની સુનાવણીમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલે બેન્ચને કહ્યું કે વીવીપીએટી સાથે ઇવીએમના ઉપયોગ માટેની દરખાસ્તને ચૂંટણી પંચે અમલમાં મૂકી દીધી છે.
રાજ્યમાં ચૂંટણી પહેલા ૨૬/૧૧ જેવા હુમલાનો ખતરો
નવી દિલ્હીઃ દેશની ગુપ્તચર સંસ્થાઓએ ગુજરાતમાં ચૂંટણી પહેલા મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં રોજ થયેલા હુમલા જેવી આતંકી ઘટનાઓ બની શકે છે તેવી ચેતવણી ઉચ્ચારી છે. રાજ્યમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે જાહેર સભાઓ અને રેલીઓ પર ત્રાસવાદી હુમલા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાક. મરિન્સ દ્વારા થોડા દિવસ પહેલા દરિયાઈ સીમા નજીક ભારતના માછીમારોની ૪ હોડીઓ જપ્ત કરવામાં આવી હતી અને માછીમારોનાં ઓળખપત્રો છીનવી લેવામાં આવ્યા હતા. આને કારણે માછીમારોમાં પણ ફફડાટ જાગ્યો છે.
પ્રદેશ ભાજપ દ્વારા પ્રવક્તાઓની ફોજ મેદાનમાં ઉતારાઈ
ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં ભાજપે પ્રચારમાં પ્રદેશ પ્રવક્તાઓની વિશાળ ફોજ મેદાને ઉતારી છે. ૨૬મીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે ૮ આગેવાનોને પ્રદેશ પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે. જેમાં જયનારાયણ વ્યાસ અને આઇ. કે. જાડેજા સહિતના બે પૂર્વ કેબિનેટ પ્રધાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ પેનલમાં કિરીટ સોલંકી અને પૂનમ માડમ સહિતના બે સંસદ સભ્યોને પણ પ્રવક્તા તરીકેની જવાબદારી ભાજપ દ્વારા સોંપાઈ છે.