અમદાવાદઃ ભારતમાં અનેક બાબતોમાં અગ્રેસર રહેલું ગુજરાત હવે ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરના દર્દીઓની બાબતે પણ મોખરે છે. ‘રાજરોગ’ કહેવાતા ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા ગુજરાતમાં ચિંતાજનક છે. ભારતમાં ડાયાબીટીસના સૌથી વધુ દર્દીઓ ગુજરાતમાં હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. દેશમાં આવા ૫,૫૯,૭૧૮ દર્દીઓ છે. જેમાંથી સૌથી વધુ ૧,૬૧,૫૭૮ દર્દીઓ ગુજરાતના છે. આ ઉપરાંત દેશમાં હાઈપરટેન્શનના સૌથી વધુ દર્દીઓ પણ ગુજરાતમાં જ છે. દેશમાં હાઈપરટેન્શનના ૭,૧૫,૩૮૨ દર્દીઓ છે. જેમાં સૌથી વધુ ૧,૫૯,૧૫૦ દર્દીઓ ગુજરાતના છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત ‘નેશનલ હેલ્થ પ્રોફાઈલ-૨૦૧૫’માં ગુજરાતીઓનું ચિંતાજનક આરોગ્ય ચિત્ર સામે બહાર આવ્યું છે.