ગાંધીનગરઃ ચૂંટણીઓ પહેલા રૂપાણી સરકાર રાજ્યના તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો મઢ, નર્મદા સહિત તમામ યાત્રાધામોના પ્રવાસ માટે ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલી મેથી શ્રવણ યોજનાનો અમલ શરૂ થશે. જેમાં ગુજરાતમાં વસતા કોઈ પણ સિનિયર સિટીઝન કે તેમના સમુહને ધાર્મિક કે અન્ય પ્રવાસન સ્થળે જવા માટે એસટી નિગમ દ્વારા એક્સપ્રેસ ભાડામાં ૫૦ ટકા સુધી રાહત અાપશે. જો એસટીની બસને બદલે પ્રાઈવેટ કંપનીઓની બસોનો ઉપયોગ થશે તો પણ એસટી બસના ભાડાને સમકક્ષ ૫૦ ટકા રાહત અપાશે.
કામદારોને રૂ. ૧૦માં ટિફિન
આ ઉપરાંત ગુજરાત સ્થાપના દિનથી સરકાર શ્રમિક અન્નપૂર્ણા શરૂ કરશે. જેમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રનાં અમદાવાદનાં ૫૦ હજાર કામદારોને રૂ. ૧૦માં ટિફિન ભરીને ભોજન અપાશે. પ્રથમ તબક્કામાં આ યોજનામાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત અને ગાંધીનગરને આવરી લેવાશે.

