અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો ૮૩.૧૨ ટકા વરસાદ વરસતાં પાણીનું સંકટ દૂર થયું છે. રાજ્યમાં સરેરાશ ૮૧૬ મિમી વરસાદ સામે અત્યાર સુધીમાં કુલ ૬૭૮.૨૪ મિમી વરસાદ પડયો છે જે ગત વર્ષ કરતાં ૧૫ ટકા વધારે છે.
ગુજરાતમાં ચોમાસું સિઝનમાં એવરેજ ૮૧૬ મિમી વરસાદ પડે છે, જેની સામે અત્યાર સુધીમા સિઝનનો ૬૭૮.૨૪ મિમી એટલે કે ૮૩.૧૨ ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં ૪૬ તાલુકામાં ૧ હજાર મિમીથી પણ વધુ વરસાદ ખાબક્યો છે.
ઓગસ્ટ મહિનાના ૧૧ દિવસમાં જ ૫૧ ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. ચોમાસુ સિઝનનો પ્રથમ મહિનો એટલે કે જૂનમાં રાજ્યમાં સરેરાશ સરેરાશ ૧૦૮.૫૯ મિમી વરસાદ પડયો હતો જ્યારે જુલાઈ મહિનામાં ૨૨૨.૩૭ મિમી વરસાદ નોધાયો હતો. ઓગસ્ટના માત્ર ૧૧ દિવસમાં ૩૪૭ મિમી વરસાદ
નોધાયો છે.
ડેમો છલકાયા : ૬૭ ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં સિઝનનો ૮૩ ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી રવિવાર સુધીમાં ૪૮ ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ડેમોમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી સંગ્રહ થઈ ચૂક્યો છે. એ જ રીતે ૯ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા પાણી હોવાથી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો ૭૦થી ૮૦ ટકા વાળા ૬ ડેમો પર ર્વોર્નિગ અપાઈ છે. જે ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તેમાં મચ્છુ ૨, મચ્છુ ૧, ઓઝત, ન્યારી ૨ વગેરેનો સમાવેશ થાય છે. આજી, કડાણા, સુખી, પાનમ વગેરે ડેમો એલર્ટ પર છે.
ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૬૭.૦૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૭૭.૧૭ ટકા પાણી સંગ્રહિત છે. એક માત્ર ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં પાણીનો ખાસ સંગ્રહ થયો નથી, અહીંના ડેમોમાં અત્યારે ૧૯.૨૯ ટકા પાણી હોવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


