ગુજરાત પહોંચતા જ વડા પ્રધાને મુખ્ય મંત્રી અને કૈલાશનાથન્ સાથે બેઠક યોજી

Saturday 03rd September 2022 05:30 EDT
 
 

ગાંધીનગર: રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ તુરંત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીએમઓના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન્ સાથે બેઠક યોજી હતી. એરપોર્ટ પર ગુજસેલ બિલ્ડિંગના બીજા માળે બપોરના ત્રણ કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી એમ દોઢ-બે કલાક બંધબારણે શું થયું તેની સત્તાવાર માહિતી જાહેર થઈ નથી. જોકે આ બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, અમદાવાદનો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી અને સાબરમતી આશ્રમ જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
એરપોર્ટ પર શનિવારે બપોરે વડા પ્રધાન ખાસ વિમાન મારફતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારી, પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં ત્રણેક વાગ્યાની આસપાસ ગુજસેલ બિલ્ડીંગમા બીજા માળે વડા પ્રધાન મોદી મુખ્ય મંત્રી અને સીએમઓના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન્ વચ્ચે બેઠક શરૂ થઈ હતી.
આ ત્રણ મહાનુભાવો વચ્ચે બંધબારણે ચાલતી ગતિવિધિમાં અડધો કલાક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ કુમાર, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ એસીએસ જે. પી. ગુપ્તા, ટુરીઝમ સેક્રેટરી હરિત શુકલા અને સ્પોટ્સ સેક્રેટરી અશ્વિની કુમારે રાજ્યમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટના વિકાસકાર્યો તેમજ ભવિષ્યના આયોજન સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. જેમાં ગિફ્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ અને નેશનલ ગેઇમ્સ 2022નો ચિતાર મેળવ્યો હોવાનું કહેવાય છે. આ બેઠક દરમિયાન વડા પ્રધાને બૂલેટ ટ્રેન, હાઈવે સહિતના ગતિશક્તિ અને ફ્લેગશીપ પ્રોજેક્ટની વિગતો અંગે પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારને માર્ગદર્શન પૂરૂં પાડ્યાનું જાણવા મળ્યું હતું.
જંગલ સફારી વિસ્તરશે, મેટ્રો રેલનું મુહૂર્ત નીકળશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીનું વિસ્તરણ કરીને આ આકર્ષણને વિશ્વકક્ષાનું બનાવવા વડા પ્રધાન સમક્ષ નર્મદા વિભાગના એસીએસ જે. પી. ગુપ્તાએ પ્રેઝન્ટેશન કર્યું હતું. એરપોર્ટ ખાતેની મેરેથોન બેઠકમાં અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની પણ સમીક્ષા થઈ છે. તેના માટે બાકી રહેલા ક્લિયરન્સ તેમજ લોકાર્પણની તારીખ સંદર્ભે પણઆ બેઠકમાં ચર્ચા થયાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter