અમદાવાદઃ પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે વધતા તનાવની સ્થિતિમાં ગુજરાતના શાકભાજીના વેપારીઓએ પાક.માં વસ્તુની નિકાસ બંધ કરી છે. ગુજરાતના વેપારીઓ રોજિંદા ત્રણ કરોડનાં શાકભાજીની નિકાસ પાક.માં કરતા આવ્યા છે. ગુજરાતની વાઘા બોર્ડરેથી પાકિસ્તાનમાં નિકાસ થતાં આ શાકભાજીમાં ટામેટાં અને મરચાં મુખ્ય હોય છે. ગુજરાતમાંથી શાકભાજી નહીં પહોંચવાથી પાક. શાકબજારો મુશ્કેલીમાં આવી શકે છે અને પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. બીજી તરફ ગુજરાતમાં શાકભાજી સસ્તાં મળવાની વકી છે. આ કારોબાર સાથે જોડાયેલા અમદાવાદ જનરલ કમિશન એજન્ટ એસોસિએશનના મહાસચિવ અહેમદ પટેલે કહ્યું છે કે, ગુજરાત આશરે રોજ ૫૦ ટ્રક એટલે કે ૧૦ ટન શાકભાજી મુખ્ય રીતે ટામેટાં અને મરચાં પાકિસ્તાન પહોંચાડતું આવ્યું છે. વર્ષ ૧૯૯૭ પછી પહેલી વાર એવું બન્યું છે કે શાકભાજીની નિકાસ રોકી દેવામાં આવી છે. અહેમદ પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી બંને દેશોના સંબંધ સ્થિર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનમાં શાકભાજીની નિકાસ કરવામાં નહીં આવે. જોકે આમ થવાથી ગુજરાતના શાકભાજીના વેપારીઓને રોજિંદું રૂ. ૩ કરોડનું નુક્સાન થશે, પણ દેશહિત સામે તે વધુ મહત્ત્વનું નથી. શાકભાજી પાકિસ્તાન પહોંચતાં કરવામાં આવતા નથી, પણ બાંગ્લાદેશ, ખાડીના દેશો, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં નિયમિત રીતે નિકાસ કરવામાં આવે છે.
ટામેટાંના ઉત્પાદનમાં અગ્રેસર એવા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેડૂતોએ પણ એકસૂરે ટામેટાં પાકિસ્તાન રવાના નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.


