વડોદરાઃ ગુજરાત પોલીસે હાઇ-ટેક બની છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત પોલીસે ટીઝર ગન વસાવી છે. આ ગનની વિશેષતા એ છે કે ટ્રીગર દબાવવાથી ફાયર થતું નથી પરંતુ કેટલાક મીટરના અંતર સુધી ઈલેકટ્રીક કરંટ લાગે છે. જોકે તેનાથી વ્યકિત મરતો નથી પરંતુ થોડાક સમય માટે બેશુધ્ધ રહે છે. વિદેશમાં યુનાઈટેડ કિંગડમ, ન્યૂ યોર્ક પોલીસ આ ગનનો યુઝ કરી રહી છે. ભારતમાં હવે એક માત્ર ગુજરાત પોલીસ સેવા દળે આ ગન વિકસાવી છે.
ગુજરાત પોલીસ પાસે હાલમાં ૨૫ ટીઝર ગન છે જેનો ઉપયોગ મોબને કંટ્રોલ કરવા માટે તથા વીઆઈપી અને વીવીઆઈપીના બંદોબસ્ત માટે ઉપયોગ થઈ શકે છે તેમ રાજયના પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું છે.
મહારાષ્ટ્રથી અલગ થયાં બાદ એક પૂર્ણ કદના રાજયનો દરજ્જો મળ્યા બાદ દાયકાઓ સુધી ગુજરાત પોલીસે ૩૦૩ રાયફલનો ઉપયોગ કર્યો હતો. આ રાયફલે હવે વિદાય લીધી છે. હાલમાં પોલીસ ઈન્સાસ રાયફલ જેવા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે. પી.આઈ. લેવલના અધિકારીઓ ૯ એમ.એમ. પિસ્ટલ યુઝ કરે છે. પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને ગુજરાત પોલીસ દળમાં ઉમેરાયેલી ટીઝર ગન અંગેની જાણકારી શેર કરી હતી. તેઓએ ટ્વિટ કર્યું હતું કે, વીઆઈપી તથા વીવીઆઈપીના બંદોબસ્ત માટે અને મોબને કંટ્રોલમાં રાખવા માટે આ ગનનો ઉપયોગ થઈ શકે છે.
ટીઝર ગનનો ઉપયોગ કરવા માટે કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આ ગન રાજ્યના મોટા શહેરોની પોલીસને ફાળવાશે.