ગુજરાત બોર્ડની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૦ મેથી

Monday 08th February 2021 14:20 EST
 

અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની આગામી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે ૧૦ મેથી બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. કોરોનાને પગલે આ વર્ષે ધો. ૧૦ની માધ્યમિક બોર્ડ અને ધો. ૧૨ની ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ બે મહિના મોડી લેવાઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓએ ભર ઉનાળે પરીક્ષા આપવા જવું પડશે અને ગરમીમાં પેપરો લખવામાં થોડી મુશ્કેલી પડશે. જોકે બીજી બાજુ વિદ્યાર્થીઓને બે મહિના તૈયારી માટે વધુ મળશે અને પરીક્ષા ૭૦ ટકા કોર્સ મુજબ લેવાશે.
સીબીએસઈ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધો.૧૦ - ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો-કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ વર્ષે ગુજરાત બોર્ડની ધો. ૧૦, ૧૨ સાયન્સ અને ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૦ મેથી શરૂ થશે. શાળાઓ જાન્યુઆરી સુધી બંધ રહી હોવાથી વિદ્યાર્થીઓને ખાસ કરીને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી છે. તેથી આ નિર્ણય લોવાયો હોવાનું જણાવાયું છે. હાલમાં ધો.૧૦-૧૨ના વર્ગો શરૂ કરી દેવાયા છે, પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ૭૦ ટકા કોર્સ મુજબ જ પરીક્ષા લેવાશે. ૩૦ ટકા કોર્સ ઘટાડી દેવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter