અમદાવાદ: ધોરણ 12ની માર્કશીટમાં ચેડાં કરીને બોગસ માર્કશીટ બનાવી તેના આધારે યુકેની કોલેજમાં એડમિશન અપાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આંબાવાડી ખાતે આવેલા ગ્રાન્ટ મોલના ત્રીજા માટે યુનિવર્લ્ડ નામની વિઝા કન્સલ્ટન્સીમાં એલિસબ્રિજ પોલીસે દરોડો પાડી મુખ્ય સંચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓ ગુજરાત બોર્ડનો નકલી લોગો અને સિક્કા મારી બોગસ માર્કશીટ બનાવતા હતા. આ ઉપરાંત જે વ્યક્તિને અંગ્રેજીમાં 70થી ઓછા માર્ક્સ આવ્યા હોય તો 56 માર્ક્સના 76 કે 86 કરી દેતાં. ત્યારબાદ રૂ. 10માં કલર ઝેરોક્ષ કરાવીને બોગસ પરમિટ બનાવતા હતા. એલિસબ્રિજ પોલીસે હાલ ત્રણેયની ધરપકડ કરી હજુ કેટલાની સંડોવણી છે તેની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, આંબાવાડી ખાતે આવેલા ગ્રાન્ટ મોલના ત્રીજા માળે યુનિવર્લ્ડ નામની ઓફિસમાં પોલીસે દરોડો પાડયો હતો. ઓફિસમાંથી મનીષ ઝવેરી, નીરવ વિનોદ વખારિયા અને જિતેન્દ્ર ભવાનભાઈ ઠાકોર મળી આવ્યા હતા. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, યુકે જવા માટે ધોરણ 12માં અંગ્રેજી વિષયમાં 70 માર્ક્સ ફરજિયાત છે. જે લોકોના 70 માર્ક્સથી ઓછા હોય તેમને તેઓ ટાર્ગેટ કરતા હતા. વિદેશ ઇચ્છતા લોકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અસલ માર્કશીટ લઈ આરોપીઓ એમાંથી ગુજરાત બોર્ડનો અસલ લોગો અને સિક્કો કાઢી માર્ક સુધારી તૈયાર થયેલી નકલી માર્કશીટ પર આ લોગો અને સિક્કો લગાવી દેતા હતા. માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ફેરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે.
35 નકલી માર્કશીટ સહિત 24.65 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ ઓફ્સિના સંચાલકોની અંગજડતી લેતાં તેમની પાસેથી 35 નકલી માર્કશીટ, 60 હજારની કિંમતનાં બે કોમ્પ્યુટર, એક પૈસા ગણવાનું મશીન, ત્રણ મોબાઈલ, 23.75 લાખ રોકડા સહિત કુલ 24.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


