ભાજપના સતત બીજી વખત નિયુક્ત થયેલા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો અભિવાદન કાર્યક્રમ ૨૭મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારે ઉત્સાહથી યોજાયો હતો. એર પોર્ટ પર શાહનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એ પછી ભાજપના અગ્રણીઓ સાથે તે કોબા પહોંચ્યા હતા. કોબા પાસે કાર્યકર્તા સંમેલનને સંબોધતાં તેમણે હાકલ કરી હતી કે, ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બહુમતીથી જીતવા માટે અત્યારથી જ કામે લાગી જાઓ. પંચાયતોમાં આપણે ભલે હાર્યા હોઈએ, પણ હતાશા ખંખેરીને આગામી ચૂંટણીઓ જીતવા માટે દરેક કાર્યકર યોજના બનાવીને અત્યારથી કામે લાગી જાય. કારણ કે ગુજરાત એ ભાજપનો કાયમ ગઢ રહ્યો છે અને રહેશે. સોશિયલ મીડિયામાં હું જોઉં છું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓના મોંમાથી લાળ ટપકી રહી છે કે ગુજરાતને સર કરે, પણ કોંગ્રેસને આપણે જીતવા નહીં દઈએ.
તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઘણા કાર્યકર્તાઓ મને મળવા માટે આવે છે ત્યારે તેઓ ચિંતા, હતાશા, નિરાશાના ભાવ વ્યક્ત કરે છે. આપણે જિલ્લા તાલુકાની ચૂંટણી હાર્યા છીએ, પણ શહેરોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. હતાશ થવાની જરૂર નથી. ગુજરાત ભાજપને કોંગ્રેસ હરાવી શકે તેવી તેમની તાકાત નથી. કારણ કે ભાજપનું એક પણ આંદોલન સત્તા પ્રાપ્તિ માટે રહ્યું નથી. ગરીબો માટે હંમેશા ચિંતા કરી છે. ચૂંટણી યુદ્ધના મેદાનમાં કાર્યકર્તાઓ કામ કરે. નવા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના નેતૃત્વમાં આપણે વિજયી બનવાનું છે.


