ગુજરાત મહાસંગ્રામઃ ૨૬ બેઠક, ૩૭૧ ઉમેદવાર, ૬૩.૬૮ ટકા મતદાન

Wednesday 24th April 2019 05:54 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા અને સૌથી મોટા તબક્કામાં ગુજરાત સહિત ૧૩ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૧૧૬ બેઠકો પર સરેરાશ ૬૫.૯૭ ટકા મતદાન થયું છે. મંગળવારે યોજાયેલા મતદાનમાં અમિત શાહ (ગાંધીનગર), રાહુલ ગાંધી (વાયનાડ), મુલાયમ સિંહ યાદવ (મેનપુરી) જેવા મોટા ગજાના નેતાઓના ભાવિ વોટિંગ મશીનમાં સીલ થઇ થયા છે.
ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકોની સાથે ૪ વિધાનસભા બેઠકો ઊંઝા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર-ગ્રામ્યની પેટા-ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પંચના તારણ અનુસાર રાજ્યમાં ૬૩.૬૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૭૪.૦૯ ટકા મતદાન વલસાડમાં પર જ્યારે સૌથી ઓછું ૫૭.૭૩ ટકા મતદાન અમરેલીમાં નોંધાયું છે.

રાજ્યમાં કુલ ૩૭૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું, જેમાં સૌથી વધુ ૩૧ સુરેન્દ્રનગર બેઠક પર તો સૌથી ઓછા ૬ ઉમેદવાર પંચમહાલમાં હતા.
કેટલાય રાજ્યોમાં વોટીંગ મશીન સાથે ચેડાંની ફરિયાદ ઉઠી છે તો પશ્ચિમ બંગાળમાં મતદાન મથક બહાર એક વ્યક્તિની હત્યાની ઘટના નોંધાઇ છે. જોકે ગુજરાતમાં કોઇ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે.
ત્રીજા તબક્કાના મતદાન વેળા સમગ્ર દેશની ગુજરાત પર હતી. એક તો ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે અને બીજું, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પક્ષના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી, નાણાં પ્રધાન અરુણ જેટલી, મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ જેવા દિગ્ગજો મતદાન માટે ગુજરાત પહોંચ્યા હતા. સોમવારે રાત્રે જ ગુજરાત પહોંચી ગયેલા આ નેતાઓએ મંગળવારે પહેલા જ કલાકમાં મતદાન કરીને લોકોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

મતદાન દરમિયાન ૪૩ ફરિયાદ

પત્રકાર પરિષદમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું હતું કે મતદાન દરમિયાન ગેરરીતિ અને આચારસંહિતા ભંગની કુલ ૪૩ ફરિયાદો આવી છે. સૌથી વધારે ૧૧ ફરિયાદો અમદાવાદ જિલ્લામાં નોંધાઈ છે. આ ઉપરાંત આણંદમાં પાંચ, ભાવનગર તથા જામનગરમાં ત્રણ ફરિયાદો અને અમરેલીમાં ચાર ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદોમાં લેખિત ફરિયાદો ઉપરાંત, ઈ-મેઇલ મારફતે આવેલી ફરિયાદો અને મીડિયા અહેવાલો આધારે મળેલી માહિતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંક મતદાનમથકોમાં વીવીપેટ મશીન ખોટકાયાં હતાં, જેને બદલીને મતદાન કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે જે ફરિયાદોમાં જરૂર જણાઈ છે એમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓને તપાસના આદેશ અપાયા છે. જોકે સરવાળે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનું તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં બે ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જે પૈકી એક ગામમાં મોડેથી મતદાન શરૂ થયું હતું, પરંતુ દાવડાહાટ ગામમાં મતદાન શરૂ થયું ન હતું.

૨૦૧૪ની તુલનામાં મતદાન વધ્યું

લોકસભાની ગત ચૂંટણીમાં - ૨૦૧૪માં ગુજરાતમાં ૬૩.૩૧ ટકા મતદાન નોંધાયું હતું તેની સામે આ વખતે ૬૩.૬૮ ટકા મતદાન નોંધાયું છે એટલે કે પાછલા વર્ષની તુલસનામાં મતદાનમાં ૦.૩૭ ટકાનો વધારો નોંધાયો છે. આ તો હજુ ચૂંટણી પંચે જાહેર કરેલા પ્રાથમિક આંકડા છે, મતદાનની ટકાવારીનો ફાઇનલ આંકડો હજુ વધી શકે છે.
અલબત્ત, સરેરાશ ટકાવારીમાં ભલે વધારો થયો, પરંતુ ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ અને અમદાવાદ-પશ્ચિમ બેઠકો એકથી દોઢ ટકા જેટલું મતદાન ઘટ્યું છે. બીજી તરફ, રાજકોટ અને સુરત બેઠક પર મતદાનની ટકાવારીમાં નજીવો વધારો નોંધાયો છે, જ્યારે વડોદરામાં મતદાનની ટકાવારી ઘટી છે. આણંદ, ખેડા, પંચમહાલમાં મતદાનની ટકાવારી વધી છે, તો છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ અને બારડોલીમાં મતદાન પાછલા વર્ષની તુલનામાં ઘટ્યું છે.

ભાજપના મહારથીઓ

• અમિત શાહ, ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ગાંધીનગર બેઠક ઉપર જંગી લીડ મેળવવી એ વટનો પ્રશ્ન રહેશે.
• જશવંતસિંહ ભાભોર, દાહોદઃ એસટી અનામત બેઠક ઉપર અછત, સિંચાઈ, પાણીના પ્રશ્નો મોટા પડકાર સમાન.
• મનસુખ વસાવા, ભરૂચઃ ભાજપના વર્તમાન સાંસદ ઉપરાંત કોંગ્રેસ અને બીટીપી વચ્ચે લડાઈ જામશે. અહીં ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.
• પરબત પટેલ, બનાસકાંઠાઃ ઠાકોર સેનાના ઉમેદવાર કોઈનું ગણિત બગાડી શકશે કે તેમ તે એક સવાલ છે.
• ડો. કિરીટ સોલંકી, અમદાવાદ-પશ્ચિમઃ આ અનામત બેઠક ભાજપનો ગઢ મનાય છે. આ પોશ વિસ્તારમાં ભાજપને લીડ વધવાની આશા છે.

કોંગ્રેસના મહારથીઓ

• પરેશ ધાનાણી, અમરેલીઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને તેની સામે ભાજપના સાંસદ વચ્ચેનો જંગ કોંગ્રેસના આ નેતા માટે વટનો પ્રશ્ન બન્યો છે.
• ભરતસિંહ સોલંકી, આણંદઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન સામે ભાજપે નવો, પણ મજબૂત ચહેરો ઊતાર્યો છે. મુકાબલો રસપ્રદ છે તે નક્કી.
• ડો. તુષાર ચૌધરી, બારડોલીઃ અનામત બેઠક ઉપર કોંગ્રેસે ફરી વાર રિપીટ કર્યા છે. એન્ટી ઇન્કમબન્સીના લાભની આશા.
• જગદીશ ઠાકોર, પાટણઃ કોંગ્રેસના જૂના જોગી સામે ભાજપના નવા ઉમેદવાર છે. અહીં અછતના પ્રશ્નો છે.
• સોમાભાઈ પટેલ, સુરેન્દ્રનગરઃ કોળી ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. અપક્ષ ઉમેદવાર કોને નડશે એ એક મોટો સવાલ છે.

ભાજપ ઉત્તર-દક્ષિણ-મધ્યમાં ફરી જોરમાં, કોંગ્રેસ સૌરાષ્ટ્રના સહારે

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવાર મતદાતાઓનો દિવસ હતો. છેલ્લા કેટલાય દિવસથી રાજકીય નેતાઓના દાવા-પ્રતિદાવા સાંભળી રહેલા લોકોએ તેમનો ચુકાદો ફરમાવી દીધો છે. હવે ૨૩ મેના રોજ મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે જનતાએ કોને સિંહાસન આપ્યું છે અને કોને વનવાસ. જોકે તમામ સર્વેક્ષણો અને દાવા પછીયે ભાજપ ગુજરાત અંગે ચિંતિત નથી.
ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિનો અંદાજ ૨૦૧૪ના પરિણામો પરથી લગાવી શકાય છે. તે સમયે સુરત, વડોદરા અને નવસારી બેઠકો ભાજપે આશરે પાંચ લાખ મતથી જીતી હતી, તો ગાંધીનગર બેઠક પર જીતનું અંતર ચાર લાખ મતનું હતું. આ જ રીતે, બે બેઠક પર જીતનું માર્જિન ત્રણ લાખ અને દસ બેઠક પર બે લાખથી વધુ મતનું અંતર રહ્યું હતું. આ ઉપરાંત સાત બેઠક એવી હતી, જ્યાં આશરે એક લાખ મતનું અંતર હતું. આ દૃષ્ટિએ ભાજપની ૧૯ બેઠક સુરક્ષિત જણાઈ રહી છે. જોકે અસલી ચૂંટણી તો એ ૭ બેઠક પર થશે, જ્યાં મામૂલી અંતરથી હાર-જીતનો ફેંસલો થશે.
બીજી તરફ, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની સરખામણી કરીએ તો ૨૬માંથી ૭ બેઠક એવી હતી, જ્યાં કોંગ્રેસને ભાજપ કરતા ૧૪ હજારથી ૧.૬૮ લાખ મત વધુ મળ્યા હતા. આ બેઠકો હતી - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી. કોંગ્રેસ સૌથી વધુ જીતની શક્યતા પણ આ જ બેઠકો પર જોઈ રહી છે. આ વાતનો ભાજપને પણ અંદાજ હતો. ભાજપને ખબર હતી કે, મોદી જ એ પરિબળ છે, જે દરેક એન્ટિ ઇન્કમબન્સી અને બળવાને શાંત કરી શકે છે.
આ જ કારણસર મોદીએ ગુજરાતમાં જે સાત રેલી કરી, તેમાંથી ચાર રેલી આ જ બેઠકો પર કરાઈ હતી. પરિણામે, થોડા દિવસ પહેલાં આ બેઠકો પર જે એકતરફી માહોલ દેખાઈ રહ્યો હતો, ત્યાં ભાજપે ફક્ત પુનરાગમન જ નથી કર્યું, પરંતુ ત્યાં તે સરસાઇ હાંસલ કરે એવું પણ જણાઈ રહ્યું છે.
ભાજપ ગુજરાતમાં મોદી વિરુદ્ધ ગુજરાતવિરોધી - દેશવિરોધી વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત પ્રત્યે ઉદાસીન દેખાયા છે. ૨૦૧૪માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી લહેર છતાં ગુજરાતમાં ૧૧ રેલી કરી હતી, જ્યારે આ વખતે ગુજરાતમાં ફક્ત રાહુલ ગાંધી આવ્યા અને તેમણે પાંચ જ સભાઓ કરી. અહીં કોંગ્રેસના પ્રચારની સંપૂર્ણ જવાબદારી હાર્દિક પટેલ, અહેમદ પટેલ અને સ્થાનિક નેતાઓ પર છોડી દેવાઈ હતી. એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતથી દૂર રખાયા છે.
ઉત્તર ગુજરાત (૫ બેઠક)ः ભાજપ પાટણમાં નબળો હતો, પરંતુ મોદીની રેલીની અસર દેખાય છે. અલ્પેશ ઠાકોરના રાજીનામાએ કોંગ્રેસને ઢીલી કરી દીધી છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં માર્જિનની રમત છે. બેઠકો કોઈ પણ તરફી ઝૂકી શકે છે. બનાસકાંઠામાં ડેરીવાળાનું ભાજપને મત નહીં આપવાનું ફરમાન અસર કરશે.
દક્ષિણ ગુજરાત (૫ બેઠક)ः સુરત, નવસારી, વલસાડમાં ભાજપ મજબૂત છે. સુરતમાં દર્શના જરદોશ વિરુદ્ધ નારાજગી છે, પરંતુ લોકોએ મોદી માટે મત આપશે. વલસાડમાં કોંગ્રેસે જોર તો લગાવ્યું છે, પરંતુ તે મતમાં કેટલું પરિવર્તિત થાય છે એ પરિણામો આવશે ત્યારે ખબર પડશે. જીએસટી, નોટબંધીનો મુદ્દો ગાયબ છે. રાષ્ટ્રવાદની ચર્ચા છે.

મધ્ય ગુજરાત (૯ બેઠક)ः ભાજપ ફક્ત આણંદમાં નર્વસ છે. અમદાવાદની પૂર્વ-પશ્ચિમ બેઠક પર જીતનું અંતર ઓછું થઈ શકે છે. ગાંધીનગરમાં અંતર વધી શકે છે. હાર્દિક પટેલને પડેલી લપડાક લોકોને નાટક લાગે છે. ભરૂચમાં ત્રિકોણીય લડાઈનો ફાયદો ભાજપને છે. કોંગ્રેસમાંથી મુસ્લિમ ઉમેદવાર હોવાના કારણે ધ્રુવીકરણ થશે તે નક્કી.

સૌરાષ્ટ્ર-કચ્છ (૭ બેઠક)ः અમરેલીથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટેની ટિપ્પણીને મોદીએ મુદ્દો બનાવ્યો છે. તેની અસર થઈ શકે છે. રાજકોટ, જામનગર, કચ્છ અને ભાવનગર બેઠક ભાજપ ફળશે. પોરબંદરમાં ગળાકાપ હરિફાઈ છે. જૂનાગઢના હાલ પણ અમરેલી જેવા છે. અહીં મામૂલી અંતરથી ફેંસલો થશે.

આ બધાનું તારણ શું?

રાજ્યની તમામ ૨૬ બેઠકના જમા-ઉધાર પાસાઓ પર નજર કરીએ તો જણાય છે કે ભાજપ ૨૨ કે ૨૩ બેઠક, જ્યારે કોંગ્રેસ ત્રણ કે ચાર બેઠક જીતી શકે છે. આમાં પણ મોટા ભાગની બેઠકોનો ફેંસલો મામૂલી અંતરથી થઈ શકે છે. જોકે, મતદારોના હૃદયમાં શું છે, એ તો ૨૩ મેના રોજ જ ખબર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter