અમદાવાદઃ રાજ્યમાં સાતમી નવેમ્બરે ભાજપનાં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંદેશ સાથે કરાઈ હતી. જેમાં મોદીએ ગુજરાતને તેમના આત્મા અને ભારતને પરમાત્મા સમાન ગણાવ્યા હતા. સંદેશમાં મોદીએ ગુજરાતનાં લોકોને જાતિ નહીં પણ વિકાસને આધારે મતદાન કરવાની અપીલ કરી હતી. તેમનાં એક પાનાનો આ સંદેશ ભાજપનાં નેતાઓ અને કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને લોકો સુધી પહોંચાડાય છે.
વિકાસથી ગુજરાતની ઓળખ
આ સંદેશમાં તેમણે ૨૨ વર્ષ પહેલાં એટલે કે ભાજપનાં શાસન પહેલાંની ગુજરાતની સ્થિતિ અને વર્તમાન ગુજરાતની સ્થિતિમાં ફરકને વર્ણવ્યો છે. ભાજપ સરકારની વિકાસની નીતિથી માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં ગુજરાતની નવી ઓળખ ઊભી થઈ છે. તેવું સંદેશમાં તેમણે કહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલબત્ત ગુજરાતનો વિકાસ આસાનીથી થયો નથી આ વિકાસ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
રાજ્યને જાતિવાદમાં ધકેલાયું હતું
અલગ અલગ જાતિઓ વતી આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક, દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તેમજ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સાથે ગુજરાતમાં કોંગ્રેસ ગઠજોડ કરી રહી છે તે અંગે ઇશારો કરતા મોદીએ કહ્યું હતું કે ૨૨થી ૨૫ વર્ષનાં યુવાનો અનુમાન નહીં લગાવી શકે કે ફક્ત રાજકીય સ્વાર્થ માટે ભૂતકાળમાં ગુજરાતને જાતિવાદ અને કોમવાદમાં ધકેલવામાં આવ્યું હતું. સત્તા ભુખ્યા તત્ત્વો આજે ફરી એક વાર આવો જ સ્વાર્થી ખેલ ખેલવા માગે છે.


